બદાયૂંમાં 4 વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મનો આરોપી પોલીસ એન્કાઉન્ટર બાદ ઝડપાયો



બદાયૂંમાં 4 વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મનો આરોપી પોલીસ એન્કાઉન્ટર બાદ ઝડપાયો



ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લામાં ચાર વર્ષની બાળકીના અપહરણ અને તેના પર કથિત દુષ્કર્મના ગંભીર કેસમાં પોલીસે મુખ્ય આરોપીની એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી 60 વર્ષીય અબરાર, બાળકીનો જ એક સંબંધિત સગો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસની જવાબી કાર્યવાહીમાં આરોપીના બંને પગમાં ગોળી વાગી હતી, ત્યારબાદ તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
માહિતી મુજબ, અલાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાંથી 25 જૂનની રાત્રે લગભગ 8 વાગ્યે ચાર વર્ષની બાળકી અચાનક ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોએ પોલીસને જાણ કરતા અપહરણનો ગુનો નોંધાયો અને બાળકીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. થોડા સમય બાદ બાળકી ગામ નજીકના એક ખેતરમાંથી મળી આવી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડી મેડિકલ તપાસ કરાવવામાં આવી હતી, જેમાં તેની સાથે દુષ્કર્મ થયાની પુષ્ટિ થતાં કેસમાં સંબંધિત કલમો ઉમેરવામાં આવી હતી.
જિલ્લાના પોલીસ અધિક્ષક અંકિતા શર્માએ જણાવ્યું કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલા પુરાવા અને માહિતીના આધારે 60 વર્ષીય અબરારની સંડોવણી સામે આવી હતી. આરોપી ઘટનાના બાદથી ફરાર હતો.
પોલીસને આરોપીના સ્થળ અંગે બાતમી મળતાં તેને પકડવા માટે ટીમ મોકલવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ ધરપકડથી બચવા પોલીસ પર ગોળીબાર કર્યો હતો. જેના જવાબમાં પોલીસે કાર્યવાહી કરતાં આરોપીના બંને પગમાં ગોળી વાગી અને તેને કાબૂમાં લેવામાં આવ્યો. તેની પાસેથી દેશી તમંચો અને જીવતા કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યા છે.
હાલ આરોપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે જણાવ્યું કે કેસની વધુ તપાસ ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.




