અમદાવાદમાં 'આરોગ્યવર્ધક યોગ શિબિર' નું સફળ આયોજન, સ્વસ્થ જીવન માટે યોગનો સંદેશ



અમદાવાદમાં 'આરોગ્યવર્ધક યોગ શિબિર' નું સફળ આયોજન, સ્વસ્થ જીવન માટે યોગનો સંદેશ



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને લકુલીશ યોગ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજે સવારે લકુલીશ યોગ યુનિવર્સિટી ખાતે "આરોગ્યવર્ધક યોગ શિબિર"નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં શહેરના મેયર હિતેશ બારોટ, કોર્પોરેટરો, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
યોગ શિબિર દરમિયાન તાડાસન, વૃક્ષાસન, ભુજંગાસન સહિત વિવિધ યોગાસનો તેમજ પ્રાણાયામની ક્રિયાઓ કરાવવામાં આવી હતી. ઉપસ્થિતોને યોગ દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યમાં થતા લાભો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે નિયમિત યોગાભ્યાસ જીવનશૈલી સંબંધિત અનેક રોગોથી બચાવવામાં મદદરૂપ બને છે. યોગ માત્ર શરીરને તંદુરસ્ત રાખવાનું સાધન નથી, પરંતુ તણાવમુક્ત અને સંતુલિત જીવન જીવવા માટે પણ એક અસરકારક માર્ગ છે.
લકુલીશ યોગ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. દિવ્યાંશે પોતાના સંબોધનમાં યોગના વૈજ્ઞાનિક અને આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે દૈનિક જીવનમાં યોગને સ્થાન આપવાથી વ્યક્તિનું સમગ્ર સ્વાસ્થ્ય સુધરે છે અને જીવનની ગુણવત્તામાં વધારો થાય છે.
શિબિરમાં ઉપસ્થિત લોકોએ યોગ પ્રત્યે વધતી જાગૃતિ અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવાના સંકલ્પ સાથે સક્રિય ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં યોગ અંગે જાગૃતિ ફેલાવવાનો અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે પ્રેરણા આપવાનો હતો.




