અરવલ્લીમાં દારૂ ભરેલી કાર પલ્ટી: ડિવાઇડર કૂદી રોંગ સાઇડ પર ઊંધી વળી, હાઇવે પર દારૂની બોટલોનો ઢગલો


અરવલ્લીમાં દારૂ ભરેલી કાર પલ્ટી: ડિવાઇડર કૂદી રોંગ સાઇડ પર ઊંધી વળી, હાઇવે પર દારૂની બોટલોનો ઢગલો


અરવલ્લી: અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક નવાગામ પાસે દારૂ ભરેલી એક કાર અકસ્માતનો ભોગ બનતા હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, પૂરઝડપે દોડી રહેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર કૂદી રોંગ સાઇડ પર પલ્ટી મારી ગઈ હતી.
અકસ્માત બાદ કારમાં ભરેલી દારૂની બોટલો હાઇવે પર વેરવિખેર થઈ જતાં ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા. ઘટનાની જાણ થતાં શામળાજી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી.
પ્રાથમિક તપાસમાં કારમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો હોવાની માહિતી સામે આવી છે. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક બુટલેગર અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
શામળાજી પોલીસ સ્ટેશનના અધિકારી એસ.એસ. માલની ટીમે ઘટનાસ્થળે પહોંચી પુરાવા એકત્ર કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે દારૂનો જથ્થો કબજે લેવાની તેમજ અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




