અરવલ્લી LCBની મોટી કાર્યવાહી: ચોરીના મોબાઈલનું રેકેટ ઝડપાયું, 46 ફોન સહિત ₹9.20 લાખનો મુદ્દામાલ જપ્ત


અરવલ્લી LCBની મોટી કાર્યવાહી: ચોરીના મોબાઈલનું રેકેટ ઝડપાયું, 46 ફોન સહિત ₹9.20 લાખનો મુદ્દામાલ જપ્ત


અરવલ્લી: અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ચોરી અને સ્નેચિંગના મોબાઈલ ફોનના કથિત રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ અમદાવાદ સહિત વિવિધ સ્થળોએથી ચોરી અથવા સ્નેચિંગ કરાયેલા મોબાઈલ ફોન મોડાસામાં લાવીને વેચાણ કરવામાં આવતા હોવાની માહિતી સામે આવી છે.
પોલીસે મોડાસા માર્કેટ યાર્ડના ગેટ પાસે આવેલી એક મોબાઈલ દુકાનમાં કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન દુકાનમાંથી 40 મોબાઈલ ફોન અને એક લેપટોપ મળી આવ્યા હતા. આ ઉપરાંત આરોપીઓની અંગઝડતી દરમિયાન વધુ 6 મોબાઈલ ફોન મળી આવતા કુલ 46 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.
મોબાઈલના લોક-અનલોક અને IMEI સાથે છેડછાડનો ખુલાસો:
પોલીસના જણાવ્યા મુજબ, ચોરીના મોબાઈલ ફોનના લોક-અનલોક કરવાની સાથે તેમના IMEI નંબર સાથે છેડછાડ કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. ચોરીના મોબાઈલના સ્પેરપાર્ટ્સ અન્ય મોબાઈલ ફોનમાં ઉપયોગ કરીને તેનું વેચાણ કરવામાં આવતું હોવાની પણ તપાસમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ:
46 મોબાઈલ ફોન
1 લેપટોપ
ચાર્જર
USB કેબલ
અન્ય મોબાઈલ સંબંધિત સામગ્રી
કુલ કિંમત: ₹9.20 લાખથી વધુ
ચાર આરોપીઓ ઝડપાયા:
આ સમગ્ર મામલે પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
મોબાઈલ ફોન ચોરીના છે કે નહીં અને તેઓ મૂળ કયા સ્થળેથી ચોરી અથવા સ્નેચિંગ કરવામાં આવ્યા હતા તે જાણવા માટે પોલીસ દ્વારા CEIR પોર્ટલ અને સંચાર સાથી એપ્લિકેશન મારફતે મોબાઈલની ઓળખ અને વિગતોની તપાસ કરવામાં આવી રહી છે.
સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો:
આ મામલે સાયબર પોલીસ સ્ટેશન, મોડાસા-અરવલ્લી ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને ચોરીના મોબાઈલની ખરીદી-વેચાણ સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહીથી ચોરી અથવા સ્નેચિંગ બાદ મોબાઈલ ફોનને મોડિફાઈ કરીને ફરી બજારમાં વેચવાના કથિત નેટવર્ક અંગે મહત્વની વિગતો સામે આવવાની શક્યતા છે.




