આમોદરા હત્યાકાંડ બાદ પણ ત્રાસ યથાવત હોવાના આક્ષેપ, વાલ્મિકી સમાજે SP-મને રજૂઆત કરી


આમોદરા હત્યાકાંડ બાદ પણ ત્રાસ યથાવત હોવાના આક્ષેપ, વાલ્મિકી સમાજે SP-મને રજૂઆત કરી


આમોદરા ગામમાં થયેલી હત્યાની ઘટના બાદ પણ વાલ્મિકી સમાજના લોકો પર ધાક-ધમકી અને ત્રાસ યથાવત હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે વાલ્મિકી સંગઠનના આગેવાનો પ્રતિકાત્મક નનામી સાથે સેવા સદન પહોંચ્યા હતા અને જિલ્લા પોલીસ વડા (SP) તથા જિલ્લા કલેક્ટર (DM)ને રજૂઆત કરી હતી.
વાલ્મિકી સમાજના આગેવાનોના આક્ષેપ મુજબ, હત્યાની ઘટના બાદ પણ સમાજના કેટલાક લોકોને ધમકીઓ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં, ડેરીમાંથી વાલ્મિકી સમાજના લોકોને દૂધ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. સમાજના લોકો પોતાના પશુઓને ચરાવવા માટે લઈ જાય ત્યારે પણ તેમને રોકવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, આમોદરાના વાલ્મિકી સમાજના યુવકની અંતિમક્રિયા દરમિયાન પણ મુશ્કેલી ઊભી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. યુવકની અંતિમક્રિયા માટે સ્મશાન તરફ જતા રસ્તે લોકોને જવા ન દેવામાં આવતા અંતે ખુલ્લી જગ્યામાં અંતિમક્રિયા કરવાની ફરજ પડી હોવાનો આક્ષેપ સંગઠનના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે વાલ્મિકી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંગઠનના આગેવાનોએ સમાજના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા, ધાક-ધમકીના આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરવા અને જવાબદારો સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.




