આનંદનગર પોલીસના કર્મચારીને માનવતાભર્યા કાર્ય બદલ પોલીસ કમિશનરનું પ્રશંસાપત્ર



આનંદનગર પોલીસના કર્મચારીને માનવતાભર્યા કાર્ય બદલ પોલીસ કમિશનરનું પ્રશંસાપત્ર



અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ દ્વારા ફરજ પ્રત્યેની જવાબદારી અને માનવતાભર્યા વર્તન બદલ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી મોહસિન ઇસ્માઈલભાઈનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, કેન્યુગા સોસાયટી વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ વ્યક્તિ ઘણા દિવસોથી ઘરની બહાર ન નીકળ્યા હોવાની જાણ પોલીસને મળી હતી. ઘટનાની ગંભીરતા સમજી પોલીસ કર્મચારી મોહસિન ઇસ્માઈલભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
સ્થળ પર પહોંચ્યા બાદ ફાયર બ્રિગેડની મદદથી ઘરનો દરવાજો ખોલાવવામાં આવ્યો હતો. ઘરની અંદર તપાસ કરતા વૃદ્ધ વ્યક્તિ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. સ્થિતિની ગંભીરતા સમજી વિલંબ કર્યા વગર 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને તેમના પરિવારજનોનો સંપર્ક પણ સાધવામાં આવ્યો હતો.
ત્યારબાદ વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ કર્મચારીની સતર્કતા, સમયસરની કામગીરી અને માનવતાસભર અભિગમના કારણે એક કિંમતી જીવ બચાવવામાં સફળતા મળી હતી.
આ ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર દ્વારા તા. 26 મે, 2026ના રોજ મોહસિન ઇસ્માઈલભાઈને પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય જ નથી કરતી, પરંતુ જરૂરિયાતના સમયે માનવતા અને સેવા ભાવનાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.




