Get News Alerts

Never miss breaking news updates.

12 વર્ષ પહેલાં પ્રેમીને પામવા આવેલી બાંગ્લાદેશી મહિલાની ધરપકડ, પતિએ DyCMને નાગરિકતા આપવા અપીલ કરી

Anand News: સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમમાં પડી 12 વર્ષ પૂર્વે પ્રેમીને પામવા માટે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરી ભારતમાં આવી બાંગ્લાદેશની મુસ્લિમ યુવતીએ આણંદના લાંભવેલના યુવક સાથે લગ્ન કરી હિંદુ ધર્મ અને રીતરીવાજ અપનાવી બે બાળકોને જન્મ આપ્યો હતો. પરંતુ તાજેતરમાં આણંદ પોલીસે ગેરકાયદેસર ઘુસણખોરી કરનારી યુવતીની ધરપકડ કરી તેને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરતા યુવતીના પતિએ યુવતીને જો બાંગ્લાદેશ પરત ડિપોર્ટ કરવામાં આવે તો તેના જીવ પર જોખમ હોવાની શંકા વ્યકત કરી છે.
Admin
AdminUpdated on: 14 Jun 2026 09:16 PM IST
12 વર્ષ પહેલાં પ્રેમીને પામવા આવેલી બાંગ્લાદેશી મહિલાની ધરપકડ, પતિએ DyCMને નાગરિકતા આપવા અપીલ કરી12 વર્ષ પહેલાં પ્રેમીને પામવા આવેલી બાંગ્લાદેશી મહિલાની ધરપકડ, પતિએ DyCMને નાગરિકતા આપવા અપીલ કરી

Anand News: સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમમાં પડી 12 વર્ષ પૂર્વે પ્રેમીને પામવા માટે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરી ભારતમાં આવી બાંગ્લાદેશની મુસ્લિમ યુવતીએ આણંદના લાંભવેલના યુવક સાથે લગ્ન કરી હિંદુ ધર્મ અને રીતરીવાજ અપનાવી બે બાળકોને જન્મ આપ્યો હતો. પરંતુ તાજેતરમાં આણંદ પોલીસે ગેરકાયદેસર ઘુસણખોરી કરનારી યુવતીની ધરપકડ કરી તેને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરતા યુવતીના પતિએ યુવતીને જો બાંગ્લાદેશ પરત ડિપોર્ટ કરવામાં આવે તો તેના જીવ પર જોખમ હોવાની શંકા વ્યકત કરી છે. તેમજ બે માસૂમ બાળકો માતાની મમતા ગુમાવે તેવો ડર વ્યકત કરી યુવતીને ભારતીય નાગરિકતા આપવા તેમજ ડિપોર્ટ નહીં કરવા સરકાર પાસે ગુહાર લગાવી છે.

લાંભવેલના તરૂણકુમાર બંસીભાઈ પટેલને 15 વર્ષ પૂર્વે ફેસબુકના માધ્યમથી બાંગ્લાદેશની મુસ્લિમ યુવતી કાજુલી, જેને પ્રેમથી કાજલ કહેતા હતા, તેની સાથે પરિચય થયો હતો. આ પરિચય ધીમેધીમે પ્રેમમાં પલટાયો હતો અને બંનેએ લગ્ન કરી એકબીજા સાથે રહેવાના વચન આપ્યા હતા. તેઓ દરરોજ ફેસબુકના માધ્યમથી વાતો કરતા હતા અને બંનેને એકબીજા વગર રહી શકાય તેમ નથી, તેવું લાગતા કાજલ બાંગ્લાદેશથી ભારત આવી પ્રેમી તરૂણ સાથે લગ્ન કરવા માટે બાંગ્લાદેશનો પાસપોર્ટ મેળવવા કાર્યવાહી કરી હતી.

આ દરમિયાન કાજલના લગ્ન કરવા માટે તેના પિતા દ્વારા ભારે દબાણ કરવામાં આવી રહ્યું હતું. જેથી કાજલ ઢાકા ખાતે સંબંધીને ત્યાં રહેવા આવી ગઈ હતી અને કાપડની ફેક્ટરીમાં કામ કરતી હતી. પાસપોર્ટ માટે તેણે 13 હજાર રૂપિયા ખર્ચ કરવા છતાં એજન્ટએ છેતરપિંડી કરતા તેનો પાસપોર્ટ મળ્યો ન હતો. બીજી તરફ પિતા તરફથી લગ્ન કરવા માટે ભારે દબાણ થઈ રહ્યું હતું.

પિતા બાંગ્લાદેશમાં બીજા મુસ્લિમ યુવક સાથે લગ્ન કરી દે તો કાજલ કયારેય પ્રેમી તરૂણને પામી શકશે નહીં, તેમ લાગતા કાજલે અત્યંત જોખમી અને ગંભીર પગલું ભરતા તે વર્ષ 2016માં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી સરહદ ઓળંગીને ભારતમાં પ્રવેશી કલકત્તા આવી ગઈ હતી. ત્યારબાદ તે આણંદ આવી પ્રેમી તરૂણને મળી હતી. જેથી તરૂણ અને કાજલે હિંદુ વિધિ અને રીતિરિવાજ અનુસાર લગ્ન કરી લીધા હતા. મુસ્લિમ કાજલે પણ હિંદુ ધર્મ ધારણ કરી હિંદુ રીતિરિવાજ અપનાવી લીધા હતા.

કાજલ મંદિરમાં પણ જતી હતી, ભગવાનની પૂજા-અર્ચના કરી દર્શન કરતી હતી. તેમજ બાધાઓ પણ રાખતી હતી. તરૂણ સાથેના સુખી લગ્નજીવનથી કાજલે બે બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં મોટો ધ્યાન આજે આઠ વર્ષનો છે, જયારે નાનો અર્શ બે વર્ષનો છે. તરૂણ અને કાજલનું લગ્ન જીવન સુખરૂપ વીતી રહ્યું હતું અને બંને પોતાનાં સુખી સંસારથી ખુશ હતા.

આ દરમિયાન તાજેતરમાં ગુજરાત પોલીસ દ્વારા બાંગ્લાદેશી ઘુસણખોરોને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી હતી. જેમાં એક કડી પોલીસને મળી હતી. જેમાં કાજલે બાંગ્લાદેશમાં બીમાર માતાની ખબર પૂછવા માટે એક ફોન કર્યો હતો અને આ ફોન પોલીસે ટ્રેસ કર્યો હતો. જેમાં કાજલ ભારતમાં ગેરકાયદેસર રહેતી હોવાનું ખુલ્યું હતું. જેથી આણંદ એલસીબી પોલીસે ગત 2 જૂનની રાત્રે કાજલને તેનાં ઘરેથી ઝડપી લીધી હતી. તેને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. કાજલને હાલમાં આણંદના નારીગૃહમાં રાખવામાં આવી છે અને તેને કોઈને મળવા દેવામાં આવતી નથી.

કાજલને પોલીસે ઝડપી પાડતા છેલ્લા 15 દિવસથી તેનાં બંને બાળકો માતાને યાદ કરી રહ્યા છે. બાળકો કહે છે કે, તેમણે છેલ્લા 15 દિવસથી માતાનું મોઢું પણ જોયું નથી. તેમને મા જોઈએ છે. આ અંગે કાજલના પતિ તરૂણે કહ્યું હતું કે, બાગ્લાદેશમાં હિંદુઓ માટે ઘણા કપરા દિવસો છે. જો કાજલને ડિપોર્ટ કરી બાંગ્લાદેશ પરત મોકલવામાં આવે તો તેનો પરિવાર તેને સ્વીકારવાનો નથી અને ત્યાંનાં કટ્ટરવાદીઓ કાજલે હિંદુ ધર્મ સ્વીકાર્યો હોવાથી તેને જીવતી નહીં છોડે. જો કાજલને બાંગ્લાદેશમાં ડિપોર્ટ કરવામાં આવે તો તેના માથે જીવનું જોખમ રહેલું છે અને બે માસૂમ બાળકો માતા વિના રહી શકે તેમ નથી.

તરૂણે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીને અપીલ કરી છે કે, જો કાજલને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવામાં આવે તો તેના પરિવારનો માળો પીંખાઈ શકે છે. કાજલ ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી ભારતમાં આવી હતી, પરંતુ તે પ્રેમને પામવા માટે આવી હતી. તેણે હિંદુ ધર્મ અંગીકાર કરેલો છે, ત્યારે તેના માથે રહેલા જીવનાં જોખમને લઈને તેને બાંગ્લાદેશ ડિપોર્ટ નહીં કરવા તેમજ તેને ભારતીય નાગરિકતા આપવા માગ કરી છે. જ્યારે ભારત સરકાર પાકિસ્તાન અને બાંગ્લાદેશનાં હિંદુઓની ચિંતા કરી તેમને ભારતીય નાગરિકતા આપી રહી છે. ત્યારે આ તો બાંગ્લાદેશની મુસ્લિમમાંથી હિંદુ ધર્મ અંગીકાર કરી હિંદુ ધર્મ સ્વીકાર્યો છે. ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકારે માનવતાના ધોરણે કાજલને બાંગ્લાદેશ પરત ડિપોર્ટ નહીં કરવા અપીલ કરી છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.