કેનેડામાં ગુજરાતી દીકરીની છરીના ઘા ઝીંકી હત્યા, CCTVને આધારે તપાસ શરૂ



કેનેડામાં ગુજરાતી દીકરીની છરીના ઘા ઝીંકી હત્યા, CCTVને આધારે તપાસ શરૂ



Anand Girl Murder in Canada: ગુજરાતની રહેવાસી 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી વિધિ કલ્પેશભાઈ મેઘાણીની કેનેડાના નાયગ્રા વિસ્તારમાં છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. મૃતક ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદની રહેવાસી હતી અને છેલ્લા ચાર વર્ષથી કેનેડામાં અભ્યાસ કરતી હતી. અભ્યાસની સાથે સાથે તે પાર્ટ-ટાઇમ જોબ પણ કરતી હતી. અહેવાલો અનુસાર, આ ઘટના 15 મેના રોજ બની હતી. પોલીસે તપાસ શરૂ કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ પુરાવો મળ્યો નથી. કેનેડિયન પોલીસે હત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. જો કે, હજુ સુધી હુમલાખોરની ઓળખ થઈ નથી કે હત્યા પાછળનો હેતુ સ્પષ્ટ થયો નથી.
પોલીસ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે અને સ્થાનિક સાક્ષીઓની પૂછપરછ કરી રહી છે. આ ઘટના બાદ કેનેડામાં ભારતીય સમુદાયમાં વ્યાપક ચિંતા અને ગુસ્સો ફેલાયો છે. લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે, કેનેડિયન સરકાર વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રત્યે કેટલી ગંભીર છે. તાજેતરના વર્ષોમાં કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ અને ભારતીય મૂળના લોકો સામે હિંસક ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. ડિસેમ્બર 2024માં એડમોન્ટનમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતી વખતે પંજાબી વિદ્યાર્થી હર્ષદીપ સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
દર વર્ષે, ભારતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા જાય છે. જો કે, તાજેતરના વર્ષોમાં આ વિદ્યાર્થીઓએ અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. અહેવાલો અનુસાર, કેનેડામાં ચાર વર્ષના અભ્યાસ અને રહેવાનો ખર્ચ લગભગ 1 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. વિધિ મેઘાણીની હત્યા બાદ લોકો સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે: શું કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ માટે સલામત છે? શું વિદેશી વિદ્યાર્થીઓને પૂરતી સુરક્ષા મળી રહી છે? વધતા ગુનાના દરને પહોંચી વળવા સરકાર શું કરી રહી છે? ઘણા લોકોએ આ મામલે ભારતીય દૂતાવાસના સક્રિય હસ્તક્ષેપની પણ માગ કરી છે.




