આણંદમાં TOFELની પરીક્ષામાં ગેરરીતિ આચરી ડમી વ્યક્તિ બેસાડ્યો, આરોપીની ધરપકડ



આણંદમાં TOFELની પરીક્ષામાં ગેરરીતિ આચરી ડમી વ્યક્તિ બેસાડ્યો, આરોપીની ધરપકડ



Anand Cyber Crime: આણંદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરની TOEFL ઓનલાઈન પરીક્ષામાં ગેરરીતિ અને ડમી ઉમેદવાર બેસાડી છેતરપિંડી કરાતા એક મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી પરીક્ષા વ્યવસ્થામાં ચાલી રહેલી ગંભીર ગેરકાયદેસર પ્રવૃત્તિ બહાર આવી છે.
મળતી માહિતી મુજબ, સાયબર ક્રાઈમ પોલીસને ખાનગી બાતમીદાર પાસેથી ચોક્કસ માહિતી મળી હતી કે, આણંદ ગ્રિડ ચોકડી નજીક આવેલી આણંદ આર્ટ્સ કોલેજની બિલ્ડીંગમાં બીજા માળે આવેલી બે અલગ અલગ રૂમોમાં ગેરરીતિપૂર્વક TOEFL પરીક્ષા લેવામાં આવી રહી છે. અહીં પરીક્ષાર્થીઓને વિદેશ જવા માટે જરૂરી પરીક્ષા પાસ કરાવવા માટે ગેરકાયદેસર ટેક્નિકલ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
બાતમીના આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. પોલીસે ટેક્નિકલ એક્સપર્ટને સાથે રાખીને તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ દરમિયાન ખુલાસો થયો કે, બે રૂમ વચ્ચેની કોમન દિવાલમાં ગુપ્ત રીતે છિદ્ર કરીને HDMI સ્પ્લિટર અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા એક રૂમમાંથી બીજા રૂમમાં કોમ્પ્યુટર સ્ક્રીન શેર કરવામાં આવી રહી હતી.
એક રૂમમાં ડમી વ્યક્તિ બેસાડી પરીક્ષાર્થીઓની જગ્યાએ પરીક્ષા આપવામાં આવતી હતી. પોલીસે પરીક્ષા રૂમમાંથી તરૂણકાંત રાકેશકાંત શર્મા રહે,સાઉથ મણીનગર, અમદાવાદ, મૂળ રહે,ગાઝીયાબાદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેની અંગ ઝડતી દરમિયાન મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બંને રૂમમાંથી મોટી સંખ્યામાં કોમ્પ્યુટર સાધનો, મોનિટર, CPU, કીબોર્ડ, માઉસ, વેબકેમ, હેડફોન, નેટવર્કિંગ સાધનો, રૂટર, સ્વિચ, DVR તથા અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો મળી આવ્યા હતા. પોલીસે કુલ 3.78 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ એક સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે ચાલી રહી હતી. જેમાં પરીક્ષાર્થીઓને ગેરરીતિથી પરીક્ષા પાસ કરાવવામાં મદદ કરવામાં આવતી હતી. આ મામલે વધુ તપાસ ચાલુ છે અને અન્ય સંડોવાયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. જેમાં તરૂણકુમાર શર્માએ અર્થ સુનિલભાઈ બુંદેલાના કહેવાથી આણંદ આર્ટ્સ કોલેજના બીજા માળે હર્ષદભાઈ ભોગીલાલ રાવળે રૂમ ભાડે રાખી હતી.
તેઓ ટોફેલની પરીક્ષા આપવા આવતા પરિક્ષાર્થીઓને બાજુમાં આવેલા ટેસ્ટ લેબવાળી રૂમ તથા સ્પોર્ટ્સ રૂમ વચ્ચેની કોમન દિવાલમાં છુપી રીતે હોલ પાડી એચડીએમઆઈ સ્પીટર એડેપ્ટર દ્વારા ટેસ્ટલેબમાંથી એચડીએમઆઈ સ્પીટર એડેપ્ટર દ્વારા સ્પોર્ટસરૂમમાં મુકવામાં આવેલ કોમ્પ્યુટરમાં સ્ક્રિન શેર કરીને સ્પોર્ટ્સ રૂમમાંથી ટોફેલની ઓનલાઈન પરીક્ષા ડમી વ્યકિત દ્વારા અપાવવામાં આવતી હતી. સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




