ફાર્મહાઉસમાં ચાલતી હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટીમાં દરોડા, 3 મહિલા સહિત 18ની ધરપકડ



ફાર્મહાઉસમાં ચાલતી હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટીમાં દરોડા, 3 મહિલા સહિત 18ની ધરપકડ



Anand Police Raid: આંકલાવના ઉમેટા રોડ પર આવેલા એક ફાર્મહાઉસમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે મધરાતે સપાટો મારી કુલ 18 લોકોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં વડોદરાના 15 પુરુષો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે.
પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે મહિલા પોલીસકર્મીઓને સાથે રાખી રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફાર્મહાઉસમાં બિઝનેસ પાર્ટીના બહાને દારૂની મહેફિલ યોજાઈ રહી હોવાનો ખુલાસો થયો હતો. ઘટનાસ્થળેથી મોંઘાદાટ ‘બડવાઈઝર મેગ્નમ’ બીયરના 17 સીલબંધ ટીન અને 21 ખાલી ટીન મળી આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે કુલ રૂ. 1.04 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ઓડી, મહિન્દ્રા XUV 700 અને ક્રેટા જેવી કુલ 8 લક્ઝરી કારનો સમાવેશ થાય છે. આ સાથે જ આરોપીઓ પાસેથી iPhone 15 Pro Max સહિત કુલ 22 મોંઘાદાટ મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ફાર્મહાઉસના માલિકે સગાને પાર્ટી કરવા માટે ફાર્મહાઉસ આપ્યું હતું. ઝડપાયેલા તમામ આરોપીઓ વડોદરાના પોશ વિસ્તારોના અને સામાજિક રીતે પ્રતિષ્ઠિત પરિવારો સાથે જોડાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. આંકલાવ પોલીસે તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે.




