Get News Alerts

Never miss breaking news updates.

અમરેલીમાં સિંહણનો ફરી ત્રાસ! 5 વર્ષીય બાળકનું કરુણ મોત

અમરેલી જિલ્લાના ખંભા તાલુકાના ચતુરી ગામમાં સિંહણના હુમલામાં 5 વર્ષીય બાળકના કરુણ મોતની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાત્રિના સમયે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ ઉભો કર્યો છે, જ્યારે વન વિભાગ દ્વારા સઘન શોધખોળ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 25 Jun 2026 03:22 PM IST
અમરેલીમાં સિંહણનો ફરી ત્રાસ! 5 વર્ષીય બાળકનું કરુણ મોતઅમરેલીમાં સિંહણનો ફરી ત્રાસ! 5 વર્ષીય બાળકનું કરુણ મોત

અમરેલીના ખંભા તાલુકાના ચતુરી ગામમાં ફરી એકવાર સિંહણના હુમલામાં નિર્દોષ બાળકનું કરુણ મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટના બુધવારે રાત્રે બની હતી, જ્યારે 5 વર્ષીય બાળક પોતાના દાદા સાથે દૂધ પહોંચાડવા જઈ રહ્યો હતો ત્યારે અચાનક ઝાડીમાંથી સિંહણએ હુમલો કર્યો અને બાળકને ખેંચીને નજીકના જંગલમાં લઈ ગઈ.

ઘટનાની જાણ થતા જ ગ્રામજનો લાકડીઓ સાથે દોડી આવ્યા અને શોધખોળ શરૂ કરી હતી, પરંતુ બાળકને બચાવી શકાયો નહોતો. બાદમાં તેનું લોહીથી લથપથ મૃતદેહ ગામથી અંદાજે એક કિલોમીટર દૂર મળી આવ્યું હતું.

ઘટના બાદ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. જેમાં ગીર પૂર્વના DCF વિકાસ યાદવ અને ACF કપિલ ભાટિયા સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ મુલાકાત લીધી હતી. લગભગ 9 કલાક સુધી ચાલેલી રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન એક સિંહણને ટ્રેન્ક્વિલાઈઝ કરીને પકડી લેવામાં આવી હતી, જ્યારે કુલ 5 સિંહોને કેજ કરવામાં આવ્યા હતા.

વન વિભાગના જણાવ્યા મુજબ પકડાયેલા એક પુરૂષ સિંહના ઉલ્ટીમાં બાળકના અવશેષ મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેની ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે. અન્ય સિંહોના પણ નમૂનાઓ લેવામાં આવ્યા છે અને તેની તપાસ ચાલી રહી છે.

આ ઘટનાથી ચતુરી ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આરોપ છે કે વિસ્તારમાં વારંવાર સિંહોના અવરજવર હોવા છતાં વન વિભાગ દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવતી નથી.

વન વિભાગે લોકોને અપીલ કરી છે કે જંગલ વિસ્તાર નજીક રાત્રે એકલા ન ફરવું, જૂથમાં જ બહાર નીકળવું અને ટોર્ચ તથા લાકડી સાથે જ સાવચેતી રાખવી. ગીર વિસ્તારમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં સિંહના હુમલાના વધતા બનાવોને કારણે ચિંતાનો માહોલ ઉભો થયો છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.