Amitabh Bachchan: ‘બચ્ચન’ સરનેમ પાછળની રસપ્રદ કહાની, જાતિવાદના વિરોધમાં પિતાએ પસંદ કર્યું હતું આ નામ


Amitabh Bachchan: ‘બચ્ચન’ સરનેમ પાછળની રસપ્રદ કહાની, જાતિવાદના વિરોધમાં પિતાએ પસંદ કર્યું હતું આ નામ


Amitabh Bachchan: મેગાસ્ટાર અમિતાભ બચ્ચનએ પોતાના પ્રખ્યાત ‘બચ્ચન’ સરનેમ પાછળની રસપ્રદ કહાની જણાવી છે. તેમણે જણાવ્યું કે તેમના પિતા અને જાણીતા હિન્દી કવિ હરિવંશ રાય બચ્ચન બાળપણથી જ જાતિ વ્યવસ્થાના વિરોધી હતા અને પરિવારના સરનેમ તરીકે ‘બચ્ચન’ નામ પસંદ કર્યું હતું.
KBC-18માં કર્યો મોટો ખુલાસો:
આ ખુલાસો ‘કૌન બનેગા કરોડપતિ’ સીઝન 18ના એક એપિસોડ દરમિયાન થયો હતો. કાર્યક્રમમાં કન્ટેસ્ટન્ટ ડૉ. જાગૃતિએ પોતાના પ્રયાગરાજ સાથેના સંબંધ અને સેન્ટ મેરી કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ અંગે વાત કરી હતી.
આ દરમિયાન અમિતાભ બચ્ચને પણ પોતાના સ્કૂલના દિવસોને યાદ કર્યા અને જણાવ્યું કે સેન્ટ મેરી કોન્વેન્ટ સ્કૂલ તેમનું પણ પ્રથમ સ્કૂલ હતું.
સ્કૂલના ફોર્મમાં લખ્યું હતું ‘બચ્ચન’:
અમિતાભ બચ્ચને જણાવ્યું કે સ્કૂલમાં પ્રવેશ સમયે ફોર્મમાં જાતિ અંગેની માહિતી પણ ભરવાની હતી. તેમના પિતા હરિવંશ રાય બચ્ચન જાતિવાદના સખત વિરોધી હોવાથી તેમણે ત્યાં પોતાની જાતિ તરીકે ‘બચ્ચન’ લખાવ્યું હતું.
અમિતાભના જણાવ્યા અનુસાર, આ રીતે તેમનું સંપૂર્ણ નામ અમિતાભ બચ્ચન તરીકે નોંધાયું અને ત્યારથી ‘બચ્ચન’ સરનેમ તેમની ઓળખનો મહત્વપૂર્ણ ભાગ બની ગયું.
જન્મ સમયે નામ હતું અમિતાભ શ્રીવાસ્તવ:
અહેવાલ મુજબ અમિતાભ બચ્ચનનો જન્મ 11 ઓક્ટોબર 1942ના રોજ પ્રયાગરાજમાં થયો હતો. તેમના જન્મ સમયે તેમનું નામ અમિતાભ શ્રીવાસ્તવ હતું. તેમના પિતા હરિવંશ રાય બચ્ચન શ્રીવાસ્તવ પરિવારમાં જન્મ્યા હતા અને આગળ જઈને આધુનિક હિન્દી સાહિત્યના જાણીતા સર્જક બન્યા.
હરિવંશ રાય બચ્ચનને તેમની પ્રસિદ્ધ કૃતિ ‘મધુશાલા’ માટે ખાસ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ‘મધુકલશ’, ‘નિશા નિમંત્રણ’, ‘સતરંગિની’, ‘અગ્નિપથ’ અને ‘જો બીત ગઈ સો બાત ગઈ’ જેવી તેમની રચનાઓ પણ ખૂબ જાણીતી છે. હિન્દી સાહિત્યમાં યોગદાન બદલ તેમને 1976માં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
માતા તેજી બચ્ચન સાથે જોડાયેલી કહાની:
અમિતાભની માતા તેજી બચ્ચનનો જન્મ તેજી સૂરી તરીકે લાયલપુર, પંજાબમાં થયો હતો. તેઓ લાહોરમાં અભ્યાસ કરતા હતા અને ત્યાં જ એક કાર્યક્રમ દરમિયાન તેમની મુલાકાત હરિવંશ રાય બચ્ચન સાથે થઈ હતી. બંનેએ 1941માં પ્રયાગરાજમાં લગ્ન કર્યા હતા.
તેજી બચ્ચનને થિયેટર અને કળામાં પણ રસ હતો. તેમણે હરિવંશ રાય બચ્ચનના શેક્સપિયરના ‘મેકબેથ’ના હિન્દી રૂપાંતરમાં લેડી મેકબેથની ભૂમિકા ભજવી હતી. આ દંપતીને બે પુત્રો થયા—અમિતાભ અને અજિતાભ બચ્ચન.
નિષ્ફળતાથી મેગાસ્ટાર સુધીની સફર:
અમિતાભ બચ્ચને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શરૂઆતના સમયમાં અનેક પડકારો અને નિષ્ફળતાઓનો સામનો કર્યો હતો. જોકે ‘ઝંજીર’, ‘દીવાર’, ‘ત્રિશૂલ’ અને ‘કાલા પથ્થર’ જેવી ફિલ્મોએ તેમની કારકિર્દીને નવી દિશા આપી.
70ના દાયકાના અંતિમ વર્ષો અને 80ના દાયકાની શરૂઆતમાં અમિતાભ બચ્ચન ધીમે-ધીમે ભારતીય સિનેમાના સૌથી મોટા સ્ટાર્સમાં સામેલ થયા.
વ્યક્તિગત જીવનની વાત કરીએ તો અમિતાભ બચ્ચને અભિનેત્રી જયા બહાદુરી સાથે લગ્ન કર્યા છે, જે લગ્ન બાદ જયા બચ્ચન તરીકે ઓળખાય છે.




