ગુજરાત પ્રવાસે અમિત શાહ: એકસાથે 1 કરોડથી વધુ વૃક્ષો વાવી સર્જાશે ઐતિહાસિક રેકોર્ડ

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આજે મોડી સાંજે ગુજરાત પહોંચશે. પોતાના પ્રવાસ દરમિયાન અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આવતીકાલે રાજ્યભરમાં એકસાથે 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાના વિશાળ અભિયાનનો પ્રારંભ થશે, જ્યારે 13 જુલાઈએ તેઓ દહેગામ APMC ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. એકસાથે 1 કરોડથી...
Rahul Desai
Rahul Desai
ફાઈલ ફોટોફાઈલ ફોટો

ફાઈલ ફોટો

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આજે મોડી સાંજે ગુજરાત પહોંચશે. પોતાના પ્રવાસ દરમિયાન અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આવતીકાલે રાજ્યભરમાં એકસાથે 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાના વિશાળ અભિયાનનો પ્રારંભ થશે, જ્યારે 13 જુલાઈએ તેઓ દહેગામ APMC ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે.

એકસાથે 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પર્યાવરણની જાળવણી અને ગ્રીન કવર વધારવાના હેતુથી શરૂ કરવામાં આવેલા 'એક પેડ મા કે નામ' અભિયાનને આગળ ધપાવતા ગુજરાતમાં વિશાળ વૃક્ષારોપણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. વહીવટી તંત્ર અને વન વિભાગના સહયોગથી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓ અને વિવિધ સંસ્થાઓમાં એકસાથે 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપી પ્રકૃતિ અને પર્યાવરણની જાળવણીનો સંદેશ આપશે.

સાયન્સ સિટીમાં વિશાળ જાહેરસભાને સંબોધશે

વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત અમદાવાદના સાયન્સ સિટી ખાતે વિશાળ જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં અમિત શાહ રાજ્યવ્યાપી વૃક્ષારોપણ ઝુંબેશની પ્રગતિનું ડિજિટલ માધ્યમથી નિરીક્ષણ કરશે. ત્યારબાદ તેઓ ઉપસ્થિત નાગરિકો, યુવાનો અને પર્યાવરણ સાથે જોડાયેલા લોકોને સંબોધશે.

કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેવાની શક્યતા છે. અમિત શાહના કાર્યક્રમને પગલે સાયન્સ સિટી અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

13 જુલાઈએ ગાંધીનગર-દહેગામમાં કાર્યક્રમ

ગુજરાત પ્રવાસના અંતિમ તબક્કામાં 13 જુલાઈએ અમિત શાહ ગાંધીનગર જિલ્લાના પ્રવાસે રહેશે. ગાંધીનગરમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની સમીક્ષા અને કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ તેઓ દહેગામ ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ના જાહેર કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.

દહેગામ APMCના કાર્યક્રમને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, ખેડૂતો અને મોટી સંખ્યામાં ગ્રામીણ લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. અમિત શાહના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસને પગલે અમદાવાદથી ગાંધીનગર અને દહેગામ સુધી વહીવટી અને સુરક્ષા તંત્ર એલર્ટ બન્યું છે.