ગુજરાત પ્રવાસે અમિત શાહ, આજે 'ભારત ટેક્સી' લોન્ચ કરશે; સાંજે જનતા દરબારમાં લોકોની રજૂઆત સાંભળશે



ગુજરાત પ્રવાસે અમિત શાહ, આજે 'ભારત ટેક્સી' લોન્ચ કરશે; સાંજે જનતા દરબારમાં લોકોની રજૂઆત સાંભળશે



ગાંધીનગર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ શનિવારે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. દિવસની શરૂઆત તેઓ ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરથી કરશે, જ્યાં સહકાર મંત્રાલય હેઠળ વિકસાવવામાં આવેલી 'ભારત ટેક્સી (ગુજરાત)' સેવાનું લોન્ચિંગ કરશે.
'ભારત ટેક્સી' સેવા 'સારથી જ માલિક' મોડલ પર આધારિત છે, જેમાં ટેક્સી ડ્રાઇવરો પણ પ્લેટફોર્મના ભાગીદાર બનશે. આ પહેલનો હેતુ સહકારી મોડલ દ્વારા ડ્રાઇવરોને આર્થિક રીતે વધુ સશક્ત બનાવવાનો છે.
ત્યારબાદ અમિત શાહ ગાંધીનગરના સેક્ટર-20 સ્થિત સર્કિટ હાઉસ ખાતે જિલ્લા વિકાસ સમન્વય અને મોનિટરિંગ સમિતિ (દિશા)ની બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠકમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવશે. બેઠકમાં સાંસદો, ધારાસભ્યો તેમજ વરિષ્ઠ વહીવટી અધિકારીઓ હાજર રહેશે.
બાદમાં અમિત શાહ અમદાવાદમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્ર હેઠળ ચાલી રહેલી 'ગ્રીન લોકસભા' પહેલની સમીક્ષા માટે બે બેઠક યોજશે. પ્રથમ બેઠક સરકારી અધિકારીઓ સાથે અને બીજી બેઠક સંગઠનના પ્રતિનિધિઓ સાથે યોજાશે. આ બેઠકમાં સમગ્ર લોકસભા વિસ્તારમાં ચાલી રહેલા સામૂહિક વૃક્ષારોપણ અભિયાનની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે.
સાંજે 7 વાગ્યે અમિત શાહ સાબરમતી વિધાનસભા વિસ્તારના રાણીપ સ્થિત સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે જનતા દરબારમાં હાજરી આપશે. અહીં તેઓ સ્થાનિક નાગરિકોની ફરિયાદો, રજૂઆતો અને વિસ્તારના પ્રશ્નો અંગે સીધો સંવાદ કરશે.
અમિત શાહના આ પ્રવાસ દરમિયાન સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન, કેન્દ્ર સરકારની યોજનાઓની સમીક્ષા, પર્યાવરણ સંરક્ષણ માટેના પ્રયાસો તેમજ સ્થાનિક નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ પર ખાસ ભાર મૂકવામાં આવશે.




