ગાંધીનગરમાં અમિત શાહે શરૂ કરી ભારત ટેક્સી



ગાંધીનગરમાં અમિત શાહે શરૂ કરી ભારત ટેક્સી



ગાંધીનગર ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ બે દિવસીય પ્રવાસે પોતાના સંસદીય ક્ષેત્રમાં પહોંચ્યા છે. આ દરમિયાન આજે તેમણે ગાંધીનગરમાં ‘ભારત ટેક્સી’ સેવા નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે મુસાફરો અને ડ્રાઇવરોનું શોષણ ન થાય તે માટે આ ટેક્સી સેવા શરૂ કરવામાં આવી છે.
અમિત શાહે વધુમાં કહ્યું કે ‘ભારત ટેક્સી’ અંગે કેટલીક અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે તે મોંઘી છે, પરંતુ હકીકતમાં સરકારનો ઉદ્દેશ્ય સસ્તી અને પારદર્શક સેવા ઉપલબ્ધ કરાવવાનો છે. તેમણે જણાવ્યું કે આ યોજના હેઠળ નાગપુરથી લઈને જયપુર અને કોલકાતા સુધી વિસ્તરણ કરવામાં આવશે તથા આગામી બે વર્ષમાં 500 શહેર અને કસ્બાઓમાં 2 વ્હીલર અને ફોર વ્હીલર સેવા જોડવાની યોજના છે.
આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે તેમજ સંગઠન અને વહીવટી તંત્ર સાથે સમીક્ષાત્મક બેઠકો યોજીને માર્ગદર્શન આપશે.
બપોરે 12:45 કલાકે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે જિલ્લા વિકાસ સમન્વય અને મોનીટરીંગ સમિતિ (DISHA) ની મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં સરકારી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે.
બપોર બાદ અમિત શાહ અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસ એનેક્સી ખાતે ‘હરિયાળી લોકસભા’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કામગીરીની સમીક્ષા બેઠક યોજશે અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપશે.
સાંજે 6:30 વાગ્યે રાણીપ વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે લોકદરબાર યોજાશે, જેમાં ગૃહમંત્રી નાગરિકોની સમસ્યાઓ સાંભળશે અને તાત્કાલિક નિરાકરણ માટે માર્ગદર્શન આપશે.




