કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28-29 મે ગુજરાતના પ્રવાસે, જાણો કાર્યક્રમ



કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28-29 મે ગુજરાતના પ્રવાસે, જાણો કાર્યક્રમ



Amit Shah Gujarat Visit: ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ આગામી 28-29 મે દરમિયાન ગુજરાત પ્રવાસે આવશે.
અમિત શાહ 28મી મેના રોજ સંસદીય ક્ષેત્રમાં અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ આપશે. જેમાં આનંદમ પરિવાર સીએસઆર ફંડ દ્વારા વડસર ખાતે નવનિર્મિત જેડવા તળાવ લોકાર્પણ, વડસર, જલુંદ અને સરઢવ ખાતે ટોયોટા કિલોસ્કર મોટર્સ લિમિટેડ સીએસઆર ફંડ દ્વારા નવનિર્મિત વાંચનાલયોનું લોકાર્પણ, અરવિંદ ફાઉન્ડેશન દ્વારા ખાત્રજ ખાતે તળાવ બ્યુટિફિકેશનનું ખાતમુહૂર્ત તેમજ ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ સામેલ છે.
આ ઉપરાંત મોટી ભોયણ ખાતે પે સેન્ટર પ્રાથમિક શાળાનું લોકાર્પણ તેમજ સોનીપુર ખાતે ગામ તળાવ તેમજ કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત પણ અમિત શાહના વરદ હસ્તે કરવામાં આવશે. સોનીપુર ખાતે જ ભાજપાના સિનિયર કાર્યકર્તા અને પૂર્વ સરપંચ શ્રી ગાંડાજી ઠાકોરના નિવાસસ્થાને અમિત શાહ બપોરનું ભોજન પણ ગ્રહણ કરશે.
બાદમાં પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ" ખાતે અમિત શાહની ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપાના મુખ્ય પદાધિકારી બેઠક યોજાશે અને ત્યારબાદ ચાંદખેડા ખાતે સીબીએસસી પ્રાદેશિક કચેરીનું અને સોલામાં ઉમિયાધામ કેમ્પસ ખાતે નવનિર્મિત હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે. જ્યારે સાંજે એએમસી દ્વારા નવા વાડજ ખાતે "ભારત માતા" નવનિર્મિત સ્કલ્પચરનું લોકાર્પણ અને બાદમાં સર્કિટ હાઉસ અમદાવાદ ખાતે ઓલમ્પિક કોમનવેલ્થ તેમજ વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારીઓની સમીક્ષા બેઠક પણ અમિત શાહની અધ્યક્ષતામાં યોજાશે. 28 મેના રોજ મોડી સાંજે આ કાર્યક્રમમાં પૂર્ણ થયા બાદ શ્રી શાહ કચ્છમાં ભુજ ખાતે જવા રવાના થશે.




