અમિત શાહના હસ્તે 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ, 2029 સુધીમાં 20% હરિયાળી વધારવાનો સંકલ્પ

અમદાવાદને ગ્રીન અને ક્લીન બનાવવાની દિશામાં આજે ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 101 ઓક્સિજન પાર્ક સહિત રૂ. 405 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે અમિત શાહે વર્ષ 2029ની ચૂંટણી સુધીમાં વિસ્તારમાં 20 ટકા હરિયાળી વધારવાનો સંકલ્પ વ્યક્ત કરી એક પણ ખૂણો વૃક્ષ વગરનો ન રહે તેવી નાગરિકોને અપીલ કરી હતી.
Rahul Desai
Rahul Desai
અમિત શાહના હસ્તે 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ, 2029 સુધીમાં 20% હરિયાળી વધારવાનો સંકલ્પઅમિત શાહના હસ્તે 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ, 2029 સુધીમાં 20% હરિયાળી વધારવાનો સંકલ્પ

અમદાવાદ: અમદાવાદને હરિયાળું અને પ્રદૂષણમુક્ત બનાવવાના સંકલ્પ સાથે આજે, 12 જુલાઈ 2026ના રોજ સાયન્સ સિટી ખાતે ભવ્ય સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે રૂ. 405 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે વર્ષ 2029ની ચૂંટણી સુધીમાં વિસ્તારમાં 20 ટકા ગ્રીનરી વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

101 ઓક્સિજન પાર્ક અને અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ અંતર્ગત શહેરમાં ગ્રીન ગ્રોથને વેગ આપવા માટે તૈયાર કરાયેલા હેરિટેજ પાર્ક તેમજ 101 ઓક્સિજન પાર્ક-અર્બન ફોરેસ્ટનું અમિત શાહે લોકાર્પણ કર્યું હતું.

ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા BRTSના કાફલામાં 80 નવી એર કન્ડિશન્ડ ઇલેક્ટ્રિક બસોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ AMTSમાં પણ 75 નવી એસી બસો ઉમેરાઈ છે. હવે BRTSની તમામ બસો ઇલેક્ટ્રિક થતાં પ્રદૂષણ ઘટાડવાની દિશામાં અમદાવાદે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

બપોરે 1 વાગ્યા સુધીમાં 1.25 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક

કાર્યક્રમને સંબોધતા અમિત શાહે જણાવ્યું કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં એક જ દિવસમાં 1 કરોડ 25 લાખથી વધુ વૃક્ષો વાવવાનું ભગીરથ અભિયાન હાથ ધરાયું છે. અમદાવાદ શહેરની ત્રણેય લોકસભા બેઠકોમાં પણ અલગથી 50 લાખ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન ચાલી રહ્યું છે.

તેમણે કહ્યું કે, “જ્યારે મેં સવા કરોડ વૃક્ષો વાવવાનો વિચાર બેઠકમાં મૂક્યો હતો ત્યારે કોઈએ હા કે ના નહોતી પાડી, પરંતુ આજે જનતાએ આ વિચારને સાકાર કરી બતાવ્યો છે.”

અમિત શાહના જણાવ્યા મુજબ બપોરે 1 વાગ્યા સુધીમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ 1,25,93,513 વૃક્ષોનું વાવેતર પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

‘2029 સુધીમાં 20 ટકા ગ્રીનરી વધારવાનો મારો સંકલ્પ’

પર્યાવરણની સુરક્ષા પર ભાર મૂકતા અમિત શાહે કહ્યું કે વધતા વાહનો અને કાર્બન ઉત્સર્જનને કારણે પ્રદૂષણ ગંભીર પડકાર બની રહ્યું છે. આ સ્થિતિમાં વધુમાં વધુ વૃક્ષારોપણ અને ગ્રીન કવર વધારવું અત્યંત જરૂરી છે.

તેમણે જણાવ્યું કે, “મેં વર્ષ 2029ની ચૂંટણી સુધીમાં આ વિસ્તારમાં 20 ટકા હરિયાળી વધારવાનો વ્યક્તિગત સંકલ્પ લીધો છે.”

ગાંધીનગરમાં અગાઉ માત્ર 12 પાર્ક હતા, જ્યારે હવે 61 નવા ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સમગ્ર અમદાવાદમાં AMC દ્વારા 101 ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યા છે.

‘એક પેડ મા કે નામ’ અભિયાનનો કર્યો ઉલ્લેખ

અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો ઉલ્લેખ કરતાં લોકોને માતા અને ધરતીમાતાની યાદમાં એક-એક વૃક્ષ વાવવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે દેશના અર્ધસૈનિક દળોએ છેલ્લા સાત વર્ષમાં 7 કરોડ વૃક્ષો વાવવાનું અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.

રૂ. 60.68 કરોડના 188 સરકારી આવાસોનું ઈ-લોકાર્પણ

કાર્યક્રમ દરમિયાન અમિત શાહના હસ્તે રૂ. 60.68 કરોડના ખર્ચે તૈયાર થયેલા 188 આધુનિક સરકારી આવાસોનું પણ ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભાડજ, બોપલ અને વાડજ સહિતના વિસ્તારોમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

‘એક પણ ખૂણો વૃક્ષ વગરનો ન રહે’

અંતમાં અમિત શાહે નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું કે દરેક સોસાયટીનો એક પણ ખૂણો વૃક્ષ વગરનો ન રહે અને દરેક ઘર પર સોલાર રૂફટોપ લગાવવાનો પ્રયાસ કરવામાં આવે.

તેમણે કહ્યું કે, “ચાલો, સાથે મળીને આપણા વિસ્તારને ગ્રીન અને ક્લીન બનાવીએ અને આવનારી પેઢી માટે પૃથ્વીને જીવવા લાયક બનાવીએ.”