હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી સાથે વરસાદી માહોલ જામશે



હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી સાથે વરસાદી માહોલ જામશે



અમદાવાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલએ ગુજરાતના આગામી દિવસોના હવામાન અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી સક્રિય બનશે, જેના કારણે છૂટાછવાયા વરસાદી ઝાપટાં અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે.
તેમણે જણાવ્યું કે 21 થી 23 જૂન દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધશે, જેના કારણે રાજ્યમાં ભારે ઉકળાટ અને અસહ્ય ગરમીનો અનુભવ થશે. આ સમયગાળા દરમિયાન ચોમાસાની શરૂઆત માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાશે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23 થી 25 જૂન વચ્ચે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરવાની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. કેટલાક સ્થળોએ ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
ખેડૂતો માટે રાહતના સમાચાર આપતાં તેમણે જણાવ્યું કે 28 જૂન બાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાવણીલાયક વરસાદ થવાની સંભાવના છે. બંગાળના ઉપસાગર તરફથી આવતી ભેજના કારણે રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થશે.
આગાહી મુજબ પાટણ, સમી, હારીજ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં સારો વરસાદ થઈ શકે છે. ઉપરાંત પંચમહાલ, મહીસાગર, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે જો આદ્રા નક્ષત્ર દરમિયાન ખાડા અને તળાવો ભરાય એટલો વરસાદ થાય, તો 7 જુલાઈ પછી રાજ્યમાં નદીઓ અને નાળાઓ છલકાય તેવો ભારે વરસાદ પડવાની સંભાવના નકારી શકાય નહીં.




