અમદાવાદમાં ઝોન-7માં 'ઓપરેશન ક્લીન સ્વીપ 2.0' સફળ, 24 કલાકમાં 190 આરોપીઓ ઝડપાયા



અમદાવાદમાં ઝોન-7માં 'ઓપરેશન ક્લીન સ્વીપ 2.0' સફળ, 24 કલાકમાં 190 આરોપીઓ ઝડપાયા



અમદાવાદ અમદાવાદ શહેર પોલીસના ઝોન-7 દ્વારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ આંતરરાજ્ય 'ઓપરેશન ક્લીન સ્વીપ 2.0' હાથ ધરવામાં આવ્યું હતું. આ વિશેષ કોમ્બિંગ ઓપરેશનમાં ઝોન-7ના આઠ પોલીસ સ્ટેશનો અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ સંયુક્ત રીતે કાર્યવાહી કરી હતી.
આ ઓપરેશન દરમિયાન માત્ર 24 કલાકમાં કુલ 190 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં 83 ફરાર આરોપીઓ, 5 તડીપાર, 54 નોન-બેલેબલ વોરંટ (NBW) ધરાવતા આરોપીઓ, મોટર વ્હીકલ એક્ટની કલમ-185 હેઠળ 11 આરોપીઓ તેમજ પ્રોહિબિશનના 28 આરોપીઓ ઝડપાયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર ઝડપાયેલા આરોપીઓમાં 22 આરોપીઓ એક વર્ષથી વધુ સમયથી ફરાર હતા, જ્યારે બે આરોપીઓ છેલ્લા 20 વર્ષથી પોલીસ પકડથી દૂર રહ્યા હતા. આ આરોપીઓ સામે છેતરપિંડી, હત્યાના પ્રયાસ, સંગઠિત ગુનાઓ, BNSS કલમ-111, અપહરણ, નકલી ચલણી નોટોનો ઉપયોગ અને મંદિર ચોરી જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
આ ઓપરેશનને સફળ બનાવવા માટે 8 પોલીસ ઇન્સ્પેક્ટર (PI), 37 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) સહિત કુલ 341 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા હતા. સમગ્ર કામગીરી માટે 43 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.
પોલીસે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ સહિત વિવિધ રાજ્યોમાં પણ ટીમો મોકલી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઉપરાંત ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ અને કચ્છમાંથી પણ ફરાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
ઓપરેશન દરમિયાન 20 વર્ષથી ફરાર નકલી ચલણી નોટોના કેસનો એક આરોપી રાજસ્થાનમાંથી એલસીબી ઝોન-7 દ્વારા ઝડપાયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નકલી ચલણી નોટોનો ઉપયોગ પેટ્રોલ પંપ પર કરતો હતો.
આ ઉપરાંત 20 વર્ષથી ફરાર સ્કોર્પિયો ચોરીના કેસનો એક આરોપી મહારાષ્ટ્રમાંથી વેજલપુર પોલીસે ઝડપી પાડ્યો હતો.
ઝોન-7ના ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું હતું કે, ફરાર અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને કાયદાના કટઘરમાં લાવવા માટે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે.




