અમદાવાદના વટવાના વાનરવટ તળાવમાંથી બાળકનો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ શરૂ


અમદાવાદના વટવાના વાનરવટ તળાવમાંથી બાળકનો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ શરૂ


અમદાવાદના ઘોડાસર પી.ડી. પંડ્યા કોલેજ માર્ગ નજીક આવેલા વટવાના વાનરવટ તળાવ ખાતે બાળક ડૂબ્યાની ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, ગઈકાલે તળાવમાં બે બાળકો ડૂબી ગયા હોવાની આશંકા વ્યક્ત થતાં ફાયર વિભાગે તાત્કાલિક બચાવ અને શોધખોળ કામગીરી શરૂ કરી હતી.
ફાયર વિભાગની ટીમે લગભગ બે કલાક સુધી તળાવમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. જોકે લાંબી કામગીરી બાદ પણ કોઈ બાળકનો પત્તો લાગ્યો નહોતો. તે સમયે બાળકો ડૂબ્યાની ઘટનાને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નહોતી અને સ્થળ પર કોઈ વાલી કે પરિવારજન પણ બાળકોની શોધમાં પહોંચ્યા ન હોવાથી સમગ્ર ઘટનાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા હતા. શોધખોળ પૂર્ણ કર્યા બાદ ફાયર વિભાગની ટીમ પરત ફરી હતી.
દરમિયાન આજે સવારે વાનરવટ તળાવમાંથી એક બાળકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતદેહની ઓળખ તેમજ બાળક કેવી રીતે તળાવમાં ડૂબ્યો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. બીજા બાળક અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં તળાવ પાસે એકત્ર થયા હતા, જેના કારણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વટવા પોલીસનો કાફલો પણ સ્થળ પર તહેનાત કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વાનરવટ તળાવની આસપાસ તંત્ર દ્વારા મેગા ડિમોલિશન અભિયાન ચલાવી કાચા-પાકા મકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. હાલ સમગ્ર મામલે પોલીસ અને સંબંધિત વિભાગો દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




