અમદાવાદમાં ટ્રાફિક સુધારવા મોટો પ્લાન: એસજી હાઇવેના વધુ 6 કટ બંધ કરવાની તૈયારી



ફાઈલ ફોટો
અમદાવાદમાં ટ્રાફિક સુધારવા મોટો પ્લાન: એસજી હાઇવેના વધુ 6 કટ બંધ કરવાની તૈયારી



ફાઈલ ફોટો
અમદાવાદ અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે વધી રહેલી ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે શહેર ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંયુક્ત રીતે મહત્વપૂર્ણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ શહેરના 76 કિલોમીટર લાંબા રિંગ રોડ પર આવેલા કુલ 40 કટ બંધ કરવામાં આવ્યા છે. તંત્રનો દાવો છે કે આ પગલાંના કારણે પીક અવર્સ દરમિયાન વાહનચાલકોનો અંદાજે 30 મિનિટ સુધીનો સમય બચી રહ્યો છે.
રિંગ રોડ પર કટ બંધ કરવાના સકારાત્મક પરિણામો બાદ હવે એસજી હાઇવે પર ટ્રાફિકને વધુ સુગમ બનાવવા માટે વધુ 6 કટ બંધ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. અગાઉ ગોટા, સોલા અને પેલેડિયમ મોલ નજીકના કટ બંધ કરવામાં આવ્યા હતા. હવે પ્રહલાદનગર, ઇસ્કોન, વાયએમસીએ, થલતેજ અને કર્ણાવતી ક્લબ નજીક આવેલા કટ અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સંબંધિત વિભાગોની બેઠક બાદ આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
ટ્રાફિક વ્યવસ્થાપનના ભાગરૂપે ઇસ્કોન ચાર રસ્તાથી કે.ડી. હોસ્પિટલ સુધીના વ્યસ્ત માર્ગને "ઝીરો ટોલરન્સ રોડ" તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ સમગ્ર માર્ગને સિગ્નલ-ફ્રી બનાવવા અને વાહનવ્યવહારને અવરોધરહિત બનાવવાના હેતુથી વિશેષ બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
ટ્રાફિક પોલીસ દ્વારા આ માર્ગ પર 27 સ્થળોનું નિરીક્ષણ કરીને વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ જરૂરી માળખાકીય ફેરફારો અંગે AMC સમક્ષ સત્તાવાર પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું છે.
શું છે ઝીરો ટોલરન્સ રોડ?
ઝીરો ટોલરન્સ રોડ એવી વ્યવસ્થા છે જ્યાં ટ્રાફિક નિયમોના ભંગ સામે કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવતી નથી. ગેરકાયદે પાર્કિંગ, નો-પાર્કિંગ ઝોનમાં વાહન ઉભું રાખવું, રોંગ સાઇડ ડ્રાઇવિંગ તેમજ ટ્રાફિક સિગ્નલનો ભંગ જેવા ગુનાઓ સામે તાત્કાલિક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે.
શહેરમાં વધતા ટ્રાફિક દબાણ વચ્ચે AMC અને ટ્રાફિક પોલીસની આ પહેલને વાહનચાલકો માટે રાહતરૂપ માનવામાં આવી રહી છે. જો યોજના સફળ રહેશે તો ભવિષ્યમાં શહેરના અન્ય વ્યસ્ત માર્ગો પર પણ આવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી શકે છે.




