અમદાવાદ બ્લાસ્ટ કેસના ઐતિહાસિક ચુકાદા પર હર્ષ સંઘવીની પ્રતિક્રિયા, 'પીડિત પરિવારોને મળ્યો ન્યાય



અમદાવાદ બ્લાસ્ટ કેસના ઐતિહાસિક ચુકાદા પર હર્ષ સંઘવીની પ્રતિક્રિયા, 'પીડિત પરિવારોને મળ્યો ન્યાય



અમદાવાદ: વર્ષ 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે આ દિવસ માત્ર અમદાવાદ કે ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ અને વિશ્વના શાંતિપ્રિય સમાજ માટે પણ ઐતિહાસિક છે.
તેમણે જણાવ્યું કે 26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને વર્ષો બાદ આજે તેમના પરિવારજનોને ન્યાય મળ્યો છે. કોર્ટે 38 દોષિતોને ફાંસીની સજા અને 11 દોષિતોને આજીવન કેદની સજા યથાવત રાખી છે, જે દેશના સૌથી મહત્વપૂર્ણ ચુકાદાઓમાંનો એક છે.
હર્ષ સંઘવીએ હાઈકોર્ટ, ટ્રાયલ કોર્ટ તેમજ સમગ્ર તપાસ ટીમના કાર્યની પ્રશંસા કરતાં જણાવ્યું કે તપાસ અધિકારીઓએ વર્ષો સુધી અથાગ મહેનત કરીને કેસને મજબૂત બનાવ્યો અને દરેક પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા. તેમના સમર્પિત પ્રયાસોના પરિણામે પીડિત પરિવારોને ન્યાય મળી શક્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે આ ચુકાદો આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સ નીતિનું પ્રતિક છે અને સ્પષ્ટ સંદેશ આપે છે કે દેશમાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી. આ નિર્ણય વિશ્વના શાંતિપ્રિય દેશો માટે પણ આતંકવાદ સામેની કાયદાકીય લડાઈમાં મહત્વપૂર્ણ ઉદાહરણ બનશે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે હાઈકોર્ટે બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો અને ઘાયલોને વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર કોર્ટના આદેશ મુજબ સહાયની રકમનું સમયસર ચુકવણું સુનિશ્ચિત કરશે.




