અમદાવાદમાં ₹82.60 કરોડનું વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, કોમનવેલ્થ ગેમ્સની તૈયારીને મળશે વેગ



અમદાવાદમાં ₹82.60 કરોડનું વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, કોમનવેલ્થ ગેમ્સની તૈયારીને મળશે વેગ



અમદાવાદ અમદાવાદમાં ભવિષ્યમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા થલતેજ વોર્ડના ભાડજ વિસ્તારમાં ₹82.60 કરોડના ખર્ચે અદ્યતન ઈન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની યોજના જાહેર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે AMC દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ માટે વિશ્વસ્તરીય સુવિધાઓ
નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વિવિધ ઇન્ડોર અને આઉટડોર રમતો માટે આંતરરાષ્ટ્રીય ધોરણની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
ઇન્ડોર સ્પોર્ટ્સ બ્લોકમાં બાસ્કેટબોલ, વોલીબોલ અને બેડમિન્ટન માટે ચાર કોર્ટ ધરાવતો મલ્ટીપર્પઝ હોલ બનાવવામાં આવશે. ઉપરાંત કબડ્ડી, કુસ્તી, તાઈક્વોન્ડો અને ટેબલ ટેનિસ જેવી રમતો માટે અલગ મલ્ટી-સ્પોર્ટ્સ હોલની પણ વ્યવસ્થા રહેશે.
20 ટાર્ગેટવાળી શૂટિંગ રેન્જ
શૂટિંગ ખેલાડીઓ માટે 10 મીટરની ઇન્ડોર શૂટિંગ રેન્જ બનાવાશે, જેમાં એર પિસ્ટલ અને એર રાઇફલ પ્રેક્ટિસ માટે 20 ટાર્ગેટની સુવિધા ઉપલબ્ધ રહેશે.
આઉટડોર સ્પોર્ટ્સ અને પિકલબોલ કોર્ટ
કોમ્પ્લેક્સમાં ટેનિસ, બાસ્કેટબોલ અને વોલીબોલ માટે આઉટડોર કોર્ટ ઉપરાંત 8 પિકલબોલ કોર્ટ પણ બનાવવામાં આવશે.
અમદાવાદમાં ₹82.60 કરોડનું વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, કોમનવેલ્થ ગેમ્સની તૈયારીને મળશે વેગ
પરંપરાગત રમતો ઉપરાંત ડિજિટલ ગેમ રૂમ, યોગા અને એરોબિક્સ માટે વેલનેસ સેન્ટર તેમજ કેરમ, ચેસ, સ્નૂકર અને બિલિયર્ડ્સ જેવી મનોરંજનાત્મક પ્રવૃત્તિઓ માટે વિશેષ ઝોન પણ તૈયાર કરાશે.
ખેલાડીઓ અને મુલાકાતીઓ માટે આધુનિક વ્યવસ્થા
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખેલાડીઓ માટે ચેન્જિંગ રૂમ, લોકર રૂમ, કોચ કેબિન, રેફરી રૂમ, મીડિયા રૂમ, ફર્સ્ટ એઇડ સેન્ટર અને ઓડિયો-વિઝ્યુઅલ ટ્રેનિંગ રૂમની સુવિધા ઉપલબ્ધ રહેશે.
આ ઉપરાંત વીઆઈપી લાઉન્જ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, કાફેટેરિયા, જ્યુસ બાર, ન્યુટ્રિશન સેન્ટર અને વિશાળ વેઇટિંગ એરિયાની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
18 મહિનામાં પૂર્ણ થશે પ્રોજેક્ટ
AMCના આયોજન મુજબ વર્ક ઓર્ડર મળ્યા બાદ ચોમાસાનો સમયગાળો બાદ કરતાં અંદાજે 18 મહિનામાં સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે.
ગ્રીન બિલ્ડિંગ અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ડિઝાઇનિંગ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેવી કે ITF (International Tennis Federation) અને BWF (Badminton World Federation)ના ધોરણોને અનુરૂપ કરવામાં આવશે. સાથે જ પ્રોજેક્ટને GRIHA, Indian Green Building Council અથવા U.S. Green Building Councilની પ્લેટિનમ રેટિંગ મેળવવાના ધ્યેય સાથે પર્યાવરણમૈત્રી અને ઊર્જા કાર્યક્ષમ બનાવવામાં આવશે.
અમદાવાદમાં ઉભા થનારા આ મેગા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી શહેરના ખેલાડીઓને વિશ્વસ્તરીય સુવિધાઓ મળશે અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓના આયોજન માટે પણ શહેર વધુ સજ્જ બનશે.




