અમદાવાદમાં રથયાત્રા પૂર્વે માર્ગ નવીનીકરણની 95% કામગીરી પૂર્ણ



અમદાવાદમાં રથયાત્રા પૂર્વે માર્ગ નવીનીકરણની 95% કામગીરી પૂર્ણ



અમદાવાદ અમદાવાદમાં આગામી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરાયેલા રથયાત્રા માર્ગના નવીનીકરણ અને સૌંદર્યીકરણ પ્રોજેક્ટની અંદાજે 95 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.
AMC દ્વારા રથયાત્રા પૂર્વે સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જમાલપુર ચાર રસ્તાથી લઈને શ્રી જગન્નાથજી મંદિર, જમાલપુર દરવાજા, વૈશ્યસભા, ખમાસા થઈને મ્યુનિસિપલ ઓફિસ કેમ્પસ સુધીના અંદાજે 1.2 કિલોમીટર લાંબા માર્ગના વિકાસ માટે કુલ રૂ. 19.59 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત સેન્ટ્રલ મેરિડીયન, ગ્રીન પેચ, આધુનિક લાઇટિંગ તેમજ કોટા અને ગ્રેનાઇટ સ્ટોનના ફૂટપાથ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.
શ્રી જગન્નાથજી મંદિર આસપાસ વિશાળ પ્લાઝાનું નિર્માણ પણ અંતિમ તબક્કામાં છે. મંદિરના પ્રવેશદ્વારથી ગેટ નંબર-2 સુધી કલાત્મક પેવિંગ અને આકર્ષક લાઇટિંગ દ્વારા સમગ્ર વિસ્તારને નવો રૂપ આપવામાં આવી રહ્યો છે.
તે ઉપરાંત જમાલપુર દરવાજા, જમાલપુર ચકલા, વૈશ્યસભા, શાહઅલી ગામધણી દરગાહ અને ખમાસા ચાર રસ્તા જેવા મહત્વના જંક્શનોનું પુનઃડિઝાઇનિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં ટેબલ ટોપ, આઇલેન્ડ, શિલ્પકૃતિઓ, પ્લેસમેકિંગ, સેન્ટ્રલ વર્જ અને હેંગિંગ લાઇટ્સ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા શહેરના કુલ 13.01 કિલોમીટર લાંબા રૂટ પરથી પસાર થાય છે અને દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ ઐતિહાસિક યાત્રામાં જોડાય છે. AMCના જણાવ્યા અનુસાર આ વિકાસકાર્ય પૂર્ણ થયા બાદ રથયાત્રા માર્ગ વધુ સુરક્ષિત, સુવ્યવસ્થિત અને આકર્ષક બનશે, જેથી શ્રદ્ધાળુઓને વધુ સુવિધાજનક અનુભવ મળી શકે.




