અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં ઓગણજમાં સૌથી વધુ 4.1 ઈંચ વરસાદ



અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં ઓગણજમાં સૌથી વધુ 4.1 ઈંચ વરસાદ



અમદાવાદ અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન સારો વરસાદ નોંધાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આંકડા મુજબ 5 જુલાઈ સવારે 6 વાગ્યા સુધી શહેરમાં સરેરાશ 39.15 મિમી વરસાદ નોંધાયો છે. આ સાથે ચાલુ ચોમાસામાં શહેરનો કુલ સરેરાશ વરસાદ 63.15 મિમી પર પહોંચી ગયો છે.
ઓગણજમાં સૌથી વધુ 105 મિમી એટલે કે 4.1 ઈંચ વરસાદ
શહેરના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં ઓગણજ વિસ્તારમાં સૌથી વધુ 105 મિમી (4.1 ઈંચ) વરસાદ નોંધાયો હતો. ઓગણજ બાદ ગોતામાં 72 મિમી, રાણીપમાં 66 મિમી, સરખેજમાં 60.5 મિમી, મેમનગરમાં 58.5 મિમી, જોધપુર ઝોનલ અને ચાંદલોડિયામાં 55.5 મિમી, ચાંદખેડામાં 54.5 મિમી, સાયન્સ સિટીમાં 54 મિમી તેમજ બોપલમાં 53 મિમી વરસાદ નોંધાયો હતો.
નોર્થ-વેસ્ટ ઝોનમાં સૌથી વધુ વરસાદ
શહેરના સાત ઝોનમાં નોર્થ-વેસ્ટ ઝોનમાં સૌથી વધુ સરેરાશ 62.36 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે સાઉથ-વેસ્ટ ઝોનમાં 46.21 મિમી, વેસ્ટ ઝોનમાં 42.79 મિમી, સાઉથ ઝોનમાં 35.38 મિમી, સેન્ટ્રલ ઝોનમાં 33.38 મિમી, ઈસ્ટ ઝોનમાં 27.81 મિમી અને નોર્થ ઝોનમાં 26.10 મિમી વરસાદ નોંધાયો છે.
રાત્રી દરમિયાન પણ ધોધમાર વરસાદ
રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના ત્રીજા શિફ્ટ દરમિયાન શહેરમાં સરેરાશ 33.59 મિમી વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. ઓગણજમાં માત્ર રાત્રિના સમયગાળામાં જ 93 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે રાણીપમાં 62 મિમી, ગોતામાં 63 મિમી, ચાંદખેડામાં 49 મિમી, સાયન્સ સિટીમાં 47 મિમી અને બોપલમાં 46.5 મિમી વરસાદ પડ્યો હતો.
સાબરમતીમાં હાલ કોઈ પૂર જેવી સ્થિતિ નહીં
ભારે વરસાદ છતાં સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજનું જળસ્તર હાલ 132.50 ફૂટ નોંધાયું છે. સવાર સુધી બેરેજના તમામ દરવાજા બંધ રાખવામાં આવ્યા છે અને હાલ પૂર જેવી કોઈ સ્થિતિ સર્જાઈ નથી.




