અમદાવાદમાં પોલીસની નાઇટ ડોમિનેશન ડ્રાઇવ, 150 સ્થળે સઘન ચેકિંગ; કફ સિરપ અને બિયર સાથે લોકો ઝડપાયા


અમદાવાદમાં પોલીસની નાઇટ ડોમિનેશન ડ્રાઇવ, 150 સ્થળે સઘન ચેકિંગ; કફ સિરપ અને બિયર સાથે લોકો ઝડપાયા


અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા પોલીસે રાત્રિના સમયે ખાસ નાઇટ ડોમિનેશન ડ્રાઇવ હાથ ધરી હતી. શહેરના અંદાજે 150 સંવેદનશીલ અને વ્યસ્ત પોઇન્ટ પર રાત્રે 12થી 2 વાગ્યા સુધી સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ડ્રાઇવ દરમિયાન દરેક પોલીસ સ્ટેશનમાંથી પાંચ પોલીસ વાહનો અને આશરે 25 પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. દારૂના નશામાં વાહન ચલાવનાર, હથિયારધારી શખ્સો તેમજ રેસિંગ અને સ્ટંટ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિતના વરિષ્ઠ અધિકારીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં ઓચિંતી મુલાકાત લઈને ચેકિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
સિંધુભવન રોડ પર અશ્વ વિલા ચાર રસ્તા પાસે કિયા સેલ્ટોસ કારમાંથી ત્રણ યુવકો ચાર બિયર ટીન સાથે ઝડપાયા હતા. જ્યારે જમાલપુર ચાર રસ્તા નજીક હોન્ડાઈ i10 કારમાંથી અંદાજે 350 કફ સિરપની બોટલો મળી આવી હતી. આ મામલે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
દાણીલીમડાના ફૈઝલનગર બેરલ માર્કેટ વિસ્તારમાં કોમ્બિંગ દરમિયાન કેટલાક શંકાસ્પદ લોકો પોલીસને જોઈને ભાગી ગયા હતા. પોલીસે સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી હતી.
પોલીસ કમિશનરે નાગરિકોને પણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે પોલીસને માહિતી આપવા અપીલ કરી છે. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને મળેલી માહિતીના આધારે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.




