Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં નવજાત બાળકીના સોદાનો પર્દાફાશ: મુખ્ય આરોપી સહિત ચાર મહિલાઓની ધરપકડ

અમદાવાદમાં નવજાત બાળકીની કથિત ખરીદ-વેચાણના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મુખ્ય આરોપી સહિત ચાર મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે માત્ર છ કલાકમાં બાળકીને શોધી તેના માતા-પિતાને સુરક્ષિત રીતે સોંપી દીધી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 06 Jul 2026 04:49 PM IST
અમદાવાદમાં નવજાત બાળકીના સોદાનો પર્દાફાશ: મુખ્ય આરોપી સહિત ચાર મહિલાઓની ધરપકડઅમદાવાદમાં નવજાત બાળકીના સોદાનો પર્દાફાશ: મુખ્ય આરોપી સહિત ચાર મહિલાઓની ધરપકડ

અમદાવાદ અમદાવાદમાં નવજાત બાળકીની કથિત તસ્કરી અને વેચાણના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. આ મામલે મુખ્ય આરોપી સહિત ચાર મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. બાળકીના વેચાણ પાછળ સંડોવાયેલા સમગ્ર નેટવર્કની પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. વાછેતાના જણાવ્યા અનુસાર, 4 જુલાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ મુજબ, જાગૃતિ નામની મહિલા બાળકીને ઘરે રાખવા માટે લઈ ગઈ હતી, પરંતુ બે-ત્રણ દિવસ બાદ પણ તેણે બાળકી પરિવારને પરત આપી નહોતી.

જ્યારે પરિવારજનોએ બાળકી પરત માગી ત્યારે જાગૃતિએ જણાવ્યું કે, તેના દ્વારા આપેલા રૂપિયા હજુ સુધી પરત કરવામાં આવ્યા નથી અને તેણે બાળકીને એક "સારા પરિવાર"ને આપી દીધી છે. સાથે જ પૈસા પણ આપી દેવાની વાત કરી હતી.

ફરિયાદ મળતા જ પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ઝડપી કાર્યવાહી કરીને પોલીસે માત્ર છ કલાકમાં બાળકીને શોધી કાઢી હતી અને તેને તેના માતા-પિતાને સુરક્ષિત રીતે સોંપી દીધી હતી.

તપાસ દરમિયાન સામે આવ્યું કે બાળકીના પિતાએ જાગૃતિ પાસેથી ₹1 લાખની ઉછીની રકમ લીધી હતી. આર્થિક મુશ્કેલીના કારણે તેઓ રકમ પરત કરી શક્યા નહોતા. તેનો લાભ ઉઠાવી જાગૃતિએ બાળકીને અન્ય વ્યક્તિને વેચી દીધી હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, બાળકીનો સોદો ₹1.50 લાખમાં કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીની તપાસમાં જાગૃતિને ₹5 હજાર મળ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય આરોપીઓને કેટલી રકમ મળી હતી તે અંગે તપાસ ચાલુ છે.

પોલીસે આ કેસમાં અત્યાર સુધી ચાર મહિલાઓની સંડોવણી સામે આવતા તેમની ધરપકડ કરી છે. સમગ્ર રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.