અમદાવાદમાં ₹1.55 કરોડની રોકાણ ઠગાઈ! મિનરલ વોટર બિઝનેસના નામે છેતરપિંડી



અમદાવાદમાં ₹1.55 કરોડની રોકાણ ઠગાઈ! મિનરલ વોટર બિઝનેસના નામે છેતરપિંડી



અમદાવાદ અમદાવાદમાં રોકાણના નામે ₹1.55 કરોડની છેતરપિંડી! મિનરલ વોટર બિઝનેસમાં ઊંચા નફાની લાલચ આપી ઠગાઈ, EOWએ એક આરોપીની કરી ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદમાં મિનરલ વોટર બોટલિંગના વ્યવસાયમાં રોકાણ કરાવી ઊંચા નફાની લાલચ આપી ₹1.55 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખોટા બિલ અને બનાવટી બેંક સ્ટેટમેન્ટના આધારે રોકાણકારનો વિશ્વાસ જીતી કરોડો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હોવાના આરોપ વચ્ચે EOW ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર કૌભાંડની તપાસ તેજ કરી છે.
EOWમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી સંદીપ પરીખ અને તેના પુત્ર ઉજસ પરીખે ફરિયાદીને મિનરલ વોટર બોટલિંગના વ્યવસાયમાં રોકાણ કરવા માટે પ્રેરિત કર્યો હતો. આરોપીઓએ દાવો કર્યો હતો કે વ્યવસાય માટે કરોડો રૂપિયાની આધુનિક મશીનરી ખરીદવામાં આવી છે અને તેમાં રોકાણ કરવાથી સારો નફો મળશે.
આ વિશ્વાસના આધારે ફરિયાદીએ તબક્કાવાર મળી કુલ ₹1.55 કરોડથી વધુનું રોકાણ કર્યું હતું. જોકે, બાદમાં તપાસ દરમિયાન મશીનરી ખરીદીના બિલ બનાવટી હોવાનું અને રોકાણને વિશ્વસનીય બતાવવા માટે નકલી બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે રોકાણની રકમ યુનાઇટેડ સોર્સિંગ પાર્ટનર્સ નામની પેઢી મારફતે ટ્રાન્સફર કરાઈ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. જોકે, સંબંધિત દસ્તાવેજોમાં અનેક ગેરરીતિઓ અને શંકાસ્પદ વિગતો સામે આવતાં આર્થિક ગુનાની દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ સમગ્ર કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે ફરિયાદીએ અમેરિકાની યાત્રા માટે પોતાના રોકાણમાંથી ₹5 લાખ પરત માંગ્યા હતા. આરોપીએ પૈસા પરત આપવા અસમર્થતા દર્શાવતા ફરિયાદીને શંકા ગઈ હતી. ત્યારબાદ કરવામાં આવેલી તપાસમાં કથિત છેતરપિંડીનો સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
EOW ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં આરોપી ઉજસ પરીખની ધરપકડ કરી છે. હાલ પોલીસે તેને રિમાન્ડ પર લઈ બનાવટી બિલ, નકલી બેંક સ્ટેટમેન્ટ, રોકાણની રકમનો ઉપયોગ અને સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ આગળ ધપાવી છે.




