149મી જગન્નાથ રથયાત્રા પૂર્વે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રૂટની તૈયારીઓની કરી સમીક્ષા


149મી જગન્નાથ રથયાત્રા પૂર્વે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રૂટની તૈયારીઓની કરી સમીક્ષા


અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા આગામી 16 જુલાઈએ ભવ્ય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના સમગ્ર રૂટની સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી હતી. આ દરમિયાન રાજ્યના પોલીસ મહાનિદેશક (DGP) વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત અનેક આગેવાનો જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા અને યાત્રાની તૈયારીઓની માહિતી મેળવી હતી.
રથયાત્રાના રૂટ પર સુરક્ષાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ, એસઆરપી, રેપિડ એક્શન ફોર્સ સહિત વિવિધ સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પેટ્રોલિંગ, સીસીટીવી કેમેરા, ડ્રોન સર્વેલન્સ અને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર મારફતે સતત નજર રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હજારો પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સમગ્ર યાત્રા દરમિયાન ફરજ પર રહેશે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રદ્ધાળુઓને સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે દર્શન તથા યાત્રાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવાનો છે. તેમણે અધિકારીઓને દરેક પ્રકારની પરિસ્થિતિ માટે સતર્ક રહેવા અને ત્વરિત પ્રતિસાદ આપવા સૂચના આપી હતી.
દર વર્ષે લાખો ભક્તોની હાજરીમાં નીકળતી અમદાવાદની જગન્નાથ રથયાત્રા દેશની સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક યાત્રાઓમાંની એક માનવામાં આવે છે. આ વર્ષે પણ ભવ્ય આયોજન સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાના રથ નગરયાત્રા પર નીકળશે. તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ અને જાહેર સુવિધાઓ માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેથી યાત્રા શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે.




