Rathyatra 2026 : અમદાવાદમાં આજે જળયાત્રા, 108 કળશમાં જળ લાવી ભગવાનનો જળાભિષેક કરાયો



Rathyatra 2026 : અમદાવાદમાં આજે જળયાત્રા, 108 કળશમાં જળ લાવી ભગવાનનો જળાભિષેક કરાયો



અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે ધાર્મિક ઉજવણીનો આજથી ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. જેઠ સુદ પૂર્ણિમાના પાવન દિવસે જળયાત્રા, જળાભિષેક અને ભગવાનના મોસાળ પ્રસ્થાન સહિતના કાર્યક્રમો યોજાયા.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે આજથી ધાર્મિક ઉજવણીનો પ્રારંભ થશે. જેઠ સુદ પૂર્ણિમાના પાવન દિવસે આજે ભવ્ય જળયાત્રા યોજાઇ. સવારના સમયે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરથી ધજા-પતાકા, હાથી, અખાડા અને ઢોલ-નગારાના તાલ સાથે જળયાત્રા વાજતે-ગાજતે નીકળી અને સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચશે. અહીં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગંગા પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ સંતો અને મહાનુભાવો બોટ મારફતે નદીની વચ્ચે જઈ 108 પવિત્ર કળશમાં જળ ભરી મંદિર તરફ પરત ફર્યા.
108 પવિત્ર કળશના જળ વડે પૂજા
મંદિરમાં લાવવામાં આવેલા 108 પવિત્ર કળશના જળ વડે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો શોડષોપચાર પૂજા વિધિ સાથે ભવ્ય જળાભિષેક કરવામાં આવ્યો. જળાભિષેક પૂર્ણ થયા બાદ ભગવાન ગજવેશ (ગણપતિ સ્વરૂપ) ધારણ કરાયો. દર વર્ષે યોજાતો આ ધાર્મિક કાર્યક્રમ મોટી સંખ્યામાં ભક્તોને આકર્ષે છે અને રથયાત્રા પૂર્વેનું મહત્વપૂર્ણ આયોજન માનવામાં આવે છે.
4 વાગ્યે ભગવાન જગન્નાથજી વાજતે-ગાજતે સરસપુર
આજે સાંજે 4 વાગ્યે ભગવાન જગન્નાથજી વાજતે-ગાજતે સરસપુર સ્થિત રણછોડરાય મંદિર, એટલે કે પોતાના મોસાળમાં પ્રસ્થાન કરશે. અહીં ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ભગવાન આગામી 15 દિવસ સુધી મોસાળમાં રોકાશે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો તેમના દર્શનનો લાભ લઈ શકશે. આ પરંપરા વર્ષોથી નિભાવવામાં આવે છે અને ભક્તોમાં વિશેષ આસ્થા ધરાવે છે.
હિતેશ બારોટ સહિતના મંત્રીઓ અને ધારાસભ્યો હાજરી
આ ધાર્મિક મહોત્સવમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મેયર હિતેશ બારોટ સહિતના મંત્રીઓ અને ધારાસભ્યો હાજરી આપી. જળયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 500થી વધુ પોલીસકર્મીઓ અને હોમગાર્ડના જવાનો તૈનાત રહ્યા. સમગ્ર રૂટ પર CCTV કેમેરાની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે અને ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ પણ રાખવામાં આવ્યું. ઉપરાંત રથયાત્રાના માર્ગ પર રાતથી જ ઇ-વ્હીકલ દ્વારા ખાસ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.
અમદાવાદના જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથજી મંદિરમાં આગામી 149મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અષાઢી બીજે યોજાનારી વિશ્વપ્રસિદ્ધ રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. મંદિર પ્રશાસન અને તંત્ર રથયાત્રા તેમજ જળયાત્રાનું આયોજન ભવ્ય અને સુરક્ષિત રીતે પૂર્ણ થાય તે માટે એક્શન મોડમાં આવી ગયું છે. મંદિર પરિસરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.




