અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો, સ્વબચાવમાં પગમાં ગોળી વાગી


અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો, સ્વબચાવમાં પગમાં ગોળી વાગી


અમદાવાદના હેબતપુર વિસ્તારમાં દુષ્કર્મના કેસના આરોપીને પંચનામા માટે લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીએ પોલીસની કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ધર્મસિંહે ભાગવાનો પ્રયાસ કરી પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. સ્થિતિ વણસતાં પોલીસે સ્વબચાવમાં આરોપીના પગના ભાગે ગોળી ચલાવી હતી.
આ ઘટનામાં એક પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે. ગોળી વાગ્યા બાદ આરોપી ધર્મસિંહને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે હેબતપુર વિસ્તારમાં પોલીસની કામગીરીને લઈને ચર્ચા જોવા મળી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ, દુષ્કર્મના કેસમાં આરોપી ધર્મસિંહને ઘટનાસ્થળે પંચનામાની કાર્યવાહી માટે લઈ જવામાં આવ્યો હતો. તે દરમિયાન આરોપીએ પોલીસની નજર ચૂકવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસકર્મીઓએ તેને રોકવાનો પ્રયાસ કરતાં આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હોવાનો પોલીસનો દાવો છે. ત્યારબાદ પોલીસ દ્વારા સ્વબચાવમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
સમગ્ર ઘટનાની જાણ થતાં આનંદનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસકર્મીને કેવી રીતે ઈજા થઈ અને આરોપીએ કયા સંજોગોમાં ભાગવાનો પ્રયાસ કર્યો તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. આરોપી ધર્મસિંહની સારવાર બાદ પોલીસ દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે.




