ભારે વરસાદની આગાહી વચ્ચે AMC એલર્ટ: અમદાવાદના 19 ફાયર સ્ટેશન, 678 જવાનો અને 8 બોટ 24 કલાક સ્ટેન્ડબાય પર


ફાઈલ ફોટો
ભારે વરસાદની આગાહી વચ્ચે AMC એલર્ટ: અમદાવાદના 19 ફાયર સ્ટેશન, 678 જવાનો અને 8 બોટ 24 કલાક સ્ટેન્ડબાય પર


ફાઈલ ફોટો
અમદાવાદ અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગ હાઈ એલર્ટ પર મુકાયું છે. શહેરમાં સંભવિત વરસાદી પરિસ્થિતિ અને પૂર જેવી સ્થિતિનો સામનો કરવા માટે ફાયર વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.
મેયર હિતેશભાઈ બારોટ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલ અને AMCના પદાધિકારીઓના માર્ગદર્શન હેઠળ ફાયર વિભાગને સંપૂર્ણ સજ્જ રાખવામાં આવ્યું છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે.
અમદાવાદ શહેરના તમામ 19 ફાયર સ્ટેશન કાર્યરત રાખવામાં આવ્યા છે, જ્યારે કુલ 678 ફાયર અને રેસ્ક્યુ કર્મચારીઓને 24 કલાક સ્ટેન્ડબાય પર તૈનાત કરવામાં આવ્યા છે. વરસાદ દરમિયાન પાણી ભરાવા, બચાવ કામગીરી કે અન્ય કોઈપણ ઇમરજન્સી માટે 8 રેસ્ક્યુ બોટ પણ તૈયાર રાખવામાં આવી છે.
દરેક બોટ સાથે પ્રશિક્ષિત ટીમને તૈનાત કરવામાં આવી છે, જેથી જરૂરિયાતના સમયે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી શકાય. આ ઉપરાંત ફાયર વિભાગ દ્વારા વુડન કટર, હાઇડ્રોલિક કટર સહિતના આધુનિક રેસ્ક્યુ સાધનો પણ કાર્યરત સ્થિતિમાં રાખવામાં આવ્યા છે.
AMCના મુખ્ય મોનસૂન કંટ્રોલ રૂમમાં પણ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ 24 કલાક કાર્યરત રહેશે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવશે અને જરૂરિયાત મુજબ તાત્કાલિક ટીમો મોકલવામાં આવશે.
AMC દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ દરમિયાન અનાવશ્યક બહાર નીકળવાનું ટાળે, પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળે અને કોઈપણ ઈમરજન્સી સ્થિતિમાં તંત્રનો સંપર્ક કરે. શહેરમાં વરસાદી પરિસ્થિતિ સામે લડવા માટે AMCનું સમગ્ર તંત્ર સજ્જ હોવાનું જણાવાયું છે.




