અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ: 2 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા


અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ: 2 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા


અમદાવાદ: અમદાવાદના મહેમુદપુરા વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટ અને આગની ઘટનામાં 10 લોકોના મોત બાદ પોલીસે તપાસ તેજ કરી છે. કેસમાં ધરપકડ કરાયેલા બે આરોપીઓને સોમવારે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ 14 દિવસના પોલીસ રિમાન્ડની માંગ કરી છે.
આ કેસમાં ન્યુ ગુજરાત ફાયર વર્ક્સના સંચાલક મેહુલ ડોડીયા, તેમની માતા રમીલા ડોડીયા અને ભાગીદાર સાદિક સૈયદની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, રમીલા ડોડીયાની તબિયત બગડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાથી હાલ માત્ર મેહુલ ડોડીયા અને સાદિક સૈયદને જ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
SITએ કોર્ટમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળનું પંચનામું કરવું જરૂરી છે. ઉપરાંત ફટાકડાની ફેક્ટરીના સ્ટોક રજિસ્ટર, વિસ્ફોટક સામગ્રીની ખરીદી-વેચાણ, આર્થિક અને નાણાકીય વ્યવહારો તેમજ વેપારમાં સંડોવાયેલા અન્ય સંભવિત આરોપીઓ અંગે તપાસ કરવા માટે પોલીસ રિમાન્ડ જરૂરી છે.
પોલીસે કોર્ટને વધુમાં જણાવ્યું કે ઘટનાસ્થળેથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. તેના સ્ત્રોત, ખરીદી-વેચાણ અને અન્ય સંબંધિત દસ્તાવેજોની તપાસ માટે આરોપીઓની પૂછપરછ અનિવાર્ય છે. કેસમાં સંયોગિક પુરાવા એકત્રિત કરવા અને સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ માટે પણ પોલીસ કસ્ટડી જરૂરી હોવાનું રજૂ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મહેમુદપુરાની ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ અને આગની ઘટનામાં ગંભીર બેદરકારીના કારણે 10 લોકોના કરુણ મોત થયા હતા. સમગ્ર ઘટનાને લઈને SIT દ્વારા વિવિધ પાસાઓ પરથી તપાસ ચાલુ રાખવામાં આવી છે.




