અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ: મુખ્ય આરોપી મેહુલ ડોડીયા ઝડપાયો


અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ: મુખ્ય આરોપી મેહુલ ડોડીયા ઝડપાયો


અમદાવાદ: રામોલના વસ્ત્રાલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં 9 લોકોના મોત અને 6 લોકો ઘાયલ થયાની ઘટનામાં પોલીસે મુખ્ય આરોપી મેહુલ ડોડીયાની ધરપકડ કરી છે. ઘટનાના થોડા સમય બાદથી ફરાર મેહુલને ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં સાબરમતી વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. તેની ધરપકડ માટે પોલીસની કુલ 15 ટીમો સતત કામગીરીમાં લાગી હતી.

તપાસમાં સામે આવ્યું છે કે બ્લાસ્ટ બાદ સૌથી પહેલા RAFના જવાનો દ્વારા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ મુજબ ફેક્ટરીમાં પહેલા આગ લાગી હતી અને ત્યારબાદ જોરદાર વિસ્ફોટ થયો હતો.
માતા સંચાલન કરતી, પુત્રના નામે હતું લાઇસન્સ
પોલીસ તપાસ મુજબ ફેક્ટરી મેહુલ ડોડીયાના નામે હતી, જ્યારે તેનું દૈનિક સંચાલન તેની માતા રમીલાબેન કરતી હતી. બ્લાસ્ટ સમયે મેહુલ અને તેની માતા બંને સ્થળ પર હાજર હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી રમીલાબેન સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

લાઇસન્સ સમાપ્ત થયા બાદ 20-25 દિવસથી ગેરકાયદે ઉત્પાદન
પોલીસના જણાવ્યા મુજબ ફેક્ટરીનું લાઇસન્સ 4 માર્ચે પૂર્ણ થયું હતું, પરંતુ તેનું રિન્યૂ કરાવવામાં આવ્યું નહોતું. તેમ છતાં છેલ્લા 20થી 25 દિવસથી ગેરકાયદેસર રીતે ફટાકડાનું ઉત્પાદન ચાલી રહ્યું હતું. ગ્રાહકોના ઓર્ડર મુજબ ફટાકડા તૈયાર કરવામાં આવતા હતા. તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી મંજૂરી કરતાં વધુ માત્રામાં પોટેશિયમ નાઇટ્રેટ મળી આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. નિયમ મુજબ મર્યાદિત માત્રામાં જ રસાયણ રાખવાની મંજૂરી હોય છે.
સાદિકની મૌખિક ભાગીદારી, કપડવંજ કનેક્શન પણ સામે આવ્યું
પોલીસ તપાસમાં સાદિક નામનો વ્યક્તિ પણ ફેક્ટરીમાં મૌખિક ભાગીદાર હોવાનું સામે આવ્યું છે. સાદિક કપડવંજમાં પણ આવી જ પ્રકારની ફટાકડાની ફેક્ટરી ચલાવતો હતો, જ્યાં થોડા દિવસ પહેલાં આગની ઘટના બની હતી. હાલ પોલીસે તેની ભૂમિકા સહિત સમગ્ર નેટવર્કની તપાસ શરૂ કરી છે.
2014માં પણ થયો હતો અકસ્માત
આ જ સ્થળે વર્ષ 2014માં રમીલાબેન ફટાકડાની ફેક્ટરી ચલાવતા હતા, ત્યારે પણ એક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારબાદ ફેક્ટરીનું લાઇસન્સ પુત્ર મેહુલ ડોડીયાના નામે લેવામાં આવ્યું હતું.
રથયાત્રા દરમિયાન પોલીસ વ્યસ્ત, તેનો ઉઠાવ્યો લાભ
પ્રાથમિક તપાસમાં પોલીસને આશંકા છે કે રથયાત્રાના બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત હોવાથી આરોપીઓએ તેનો લાભ લઈ ગેરકાયદેસર રીતે ફેક્ટરી ફરી શરૂ કરી હતી.
જમીન માલિક અને ફાઇનાન્સરની ભૂમિકાની પણ તપાસ
પોલીસ હવે ફેક્ટરી માટે જમીન ઉપલબ્ધ કરાવનાર, ફાઇનાન્સ કરનાર તેમજ અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે.
NOC અને લાઇસન્સ અંગે પણ ખુલાસો
પોલીસના જણાવ્યા મુજબ અગાઉ 500 ચોરસ મીટરથી ઓછી જગ્યાવાળી ફેક્ટરીઓને પોલીસ દ્વારા NOC આપવામાં આવતી હતી, પરંતુ હવે આ નિયમમાં ફેરફાર થયા બાદ તમામ NOC ફાયર વિભાગ દ્વારા જ આપવામાં આવે છે. આ ફેક્ટરીને જુલાઈ માસ સુધી ફાયર વિભાગ તરફથી NOC આપવામાં આવી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
રામોલ વિસ્તારમાં અગાઉ કુલ 13 ફટાકડાની ફેક્ટરીઓ કાર્યરત હતી, જેમાંથી 12 ફેક્ટરીઓના લાઇસન્સનું રિન્યૂ ન થતાં તેને બંધ કરાવવામાં આવી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે વિવિધ એંગલથી તપાસ શરૂ કરી છે અને ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર રીતે કેવી રીતે ચાલી રહી હતી તથા તેમાં અન્ય કોની સંડોવણી હતી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




