Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં ED અને CBIમાં સેટિંગના નામે કરોડોની ઠગાઈ કરનાર નટવરલાલ ઝડપાયો

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ED અને CBIમાં ઓળખાણ હોવાનો ખોટો દાવો કરીને કરોડો રૂપિયાની ઠગાઈ આચરનાર પિયુષકુમાર ઉર્ફે સુનિલ પટેલની ધરપકડ કરી છે. આરોપીએ ED દ્વારા જપ્ત કરાયેલા રૂ. 11.90 કરોડ છોડાવી આપવાની લાલચ આપી ફરિયાદી પાસેથી રૂ. 3.98 કરોડ પડાવ્યા હતા. તપાસમાં આરોપી સામે અગાઉ પણ અનેક છેતરપિંડીના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 01 Jul 2026 01:50 PM IST
અમદાવાદમાં ED અને CBIમાં સેટિંગના નામે કરોડોની ઠગાઈ કરનાર નટવરલાલ ઝડપાયોઅમદાવાદમાં ED અને CBIમાં સેટિંગના નામે કરોડોની ઠગાઈ કરનાર નટવરલાલ ઝડપાયો

અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ED અને CBI જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓમાં ઓળખાણ હોવાનો ખોટો દાવો કરીને કરોડો રૂપિયાની ઠગાઈ આચરનાર શખ્સની ધરપકડ કરી છે. આરોપી પિયુષકુમાર ઉર્ફે સુનિલ પટેલ લોકોને અટકેલા કામ કરાવી આપવાની લાલચ આપીને કરોડો રૂપિયા પડાવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

ક્રાઈમ બ્રાન્ચની તપાસ મુજબ, આરોપીએ ફરિયાદીને ED દ્વારા જપ્ત કરાયેલા રૂ. 11.90 કરોડ છોડાવી આપવાનું આશ્વાસન આપ્યું હતું. આ બહાને તેણે ફરિયાદી પાસેથી અલગ-અલગ હપ્તામાં રૂ. 3.98 કરોડ વસૂલ્યા હતા. જોકે રૂપિયા લીધા બાદ ન તો કોઈ કામ કરાવ્યું અને ન તો ફરિયાદીની રકમ પરત આપી, જેથી વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.

તપાસમાં વધુમાં સામે આવ્યું છે કે આરોપી પિયુષ પટેલ EDના અધિકારીઓ સાથે નજીકની ઓળખાણ હોવાનો ખોટો દાવો કરતો હતો. ઠગાઈથી મેળવેલી રકમને સગેવગે કરવા માટે તેણે અન્ય વ્યક્તિ સાથે રૂ. 3.32 કરોડનો લોન કરાર પણ કર્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.

ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે આરોપી વર્ષ 2021માં વનુઆતુ દેશ ભાગી ગયો હતો અને ત્યાંનું નાગરિકત્વ પણ મેળવી લીધું હતું. ત્યારબાદ વર્ષ 2022થી OCI (ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા) કાર્ડ ધારક તરીકે ભારતમાં રહેતો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પિયુષ પટેલ કોઈ સામાન્ય ગુનેગાર નથી. તેની સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. કડી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025 દરમિયાન છેતરપિંડી, ખોટા દસ્તાવેજો અને IT એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. ઉપરાંત સાંથલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો કેસ નોંધાયેલો છે. જ્યારે ઉત્તર પ્રદેશના લખનઉ પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડી, બોગસ દસ્તાવેજો અને IT એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

પ્રાથમિક તપાસ અનુસાર, આરોપી પોતાની મોટી સરકારી એજન્સીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું કહી લોકોનો વિશ્વાસ જીતતો હતો અને અટકેલા કામ કરાવી આપવાના બહાને કરોડો રૂપિયા પડાવતો હતો.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આરોપી સામે વિવિધ કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ આરોપીની ઠગાઈના અન્ય ભોગ બનનાર લોકો તેમજ સમગ્ર નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.