અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં કસ્ટડી દરમિયાન આરોપીનું મોત, હાર્ટ એટેકની આશંકા


અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં કસ્ટડી દરમિયાન આરોપીનું મોત, હાર્ટ એટેકની આશંકા


અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કસ્ટડી દરમિયાન એક આરોપીના મોતની ઘટના સામે આવી છે. મૃતકની ઓળખ અહમદ અસલમભાઈ અંસારી તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સામે વર્ષ 2019માં સગીરા સાથે થયેલા કથિત દુષ્કર્મ અને બ્લેકમેલિંગના મામલે IPC કલમ 376 તથા પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ પીડિતાનો વીડિયો બનાવી વર્ષો સુધી તેને બ્લેકમેલ કર્યો હોવાનો આક્ષેપ હતો. તાજેતરમાં વીડિયો વાયરલ થયા બાદ પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે આરોપીને પૂછપરછ માટે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
પૂછપરછ દરમિયાન અચાનક આરોપીને ખેંચ આવતાં તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
કસ્ટડી દરમિયાન થયેલા મોતને પગલે પોલીસે અકસ્માત મોત (ADR) અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મૃતદેહનું પોસ્ટમોર્ટમ પેનલ ડોક્ટરો દ્વારા ફોરેન્સિક પ્રક્રિયા અને વીડિયોગ્રાફી સાથે કરવામાં આવ્યું છે.
પોલીસના પ્રાથમિક નિવેદન મુજબ, પોસ્ટમોર્ટમ દરમિયાન હાર્ટ એટેકને મોતનું પ્રાથમિક કારણ માનવામાં આવ્યું છે. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
પોલીસે વધુમાં જણાવ્યું છે કે મૃતક અહમદ અંસારી ફરિયાદીના વર્ષોથી પાડોશી હતા અને બંને પરિવારો વચ્ચે સામાજિક અવરજવર પણ હતી. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.




