અમદાવાદ એરપોર્ટ પર 34.30 લાખનું સોનું ઝડપાયું: અબુધાબીથી આવેલી મહિલાએ બુરખામાં છુપાવી લાવી હતી 24 કેરેટની ગોલ્ડ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અબુધાબીથી આવેલી મહિલા મુસાફરના બુરખામાં છુપાવેલી અંદાજે ₹34.30 લાખની કિંમતની 24 કેરેટની બે ગોલ્ડ બાર જપ્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે કસ્ટમ્સે વધુ તપાસ શરૂ કરી છે.
Rahul Desai
Rahul Desai
અમદાવાદ એરપોર્ટ પર 34.30 લાખનું સોનું ઝડપાયું: અબુધાબીથી આવેલી મહિલાએ બુરખામાં છુપાવી લાવી હતી 24 કેરેટની ગોલ્ડઅમદાવાદ એરપોર્ટ પર 34.30 લાખનું સોનું ઝડપાયું: અબુધાબીથી આવેલી મહિલાએ બુરખામાં છુપાવી લાવી હતી 24 કેરેટની ગોલ્ડ

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)એ સોનાની દાણચોરીના વધુ એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. અબુધાબીથી અમદાવાદ પહોંચેલી એક મહિલા મુસાફર પાસેથી અંદાજે ₹34.30 લાખની કિંમતનું 233 ગ્રામ વજનનું 24 કેરેટ સોનું જપ્ત કરવામાં આવ્યું છે.

કસ્ટમ્સ વિભાગના જણાવ્યા અનુસાર, મહિલા મુસાફર અબુધાબીથી ફ્લાઇટ મારફતે અમદાવાદ પહોંચી હતી. પ્રોફાઇલિંગના આધારે અધિકારીઓએ તેની તપાસ હાથ ધરી હતી. વિગતવાર ચકાસણી દરમિયાન મહિલાએ પોતાના બુરખામાં બે 24 કેરેટની ગોલ્ડ TT બાર છુપાવી હોવાનું સામે આવ્યું હતું.

કસ્ટમ્સ અધિકારીઓએ કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ બંને ગોલ્ડ બાર જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે. તપાસમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે મહિલા એકલી દાણચોરી કરતી હતી કે પછી કોઈ મોટા આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સ્મગલિંગ રેકેટ સાથે જોડાયેલી છે. તેમજ અગાઉ પણ આવી કોઈ ઘટનામાં તેનો સંડોવણી રહ્યો છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે.

અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા કેટલાક સમયથી સોનાની દાણચોરીના અનેક પ્રયાસો ઝડપાઈ રહ્યા છે. અગાઉ પણ મુસાફરો દ્વારા સૂટકેસના ગુપ્ત ખાના, ઇલેક્ટ્રોનિક સાધનો, વ્યક્તિગત સામાન તેમજ શરીર પર પહેરીને સોનું લાવવાના પ્રયાસો કસ્ટમ્સ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.

કસ્ટમ્સ વિભાગે જણાવ્યું છે કે એરપોર્ટ પર નજર વધુ કડક બનાવવામાં આવી છે અને દાણચોરી સામે સતત કાર્યવાહી ચાલુ રહેશે.