ઈરાન હોર્મુઝ પર કબજો કરશે...! શિપિંગ પર 7% ટેક્સ વસૂલવાની તૈયારી, ઓમાન સાથે ચર્ચા


ઈરાન હોર્મુઝ પર કબજો કરશે...! શિપિંગ પર 7% ટેક્સ વસૂલવાની તૈયારી, ઓમાન સાથે ચર્ચા


Hormuz Strait Iran Shipping Tax: મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ વચ્ચે હવે હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz) ફરી વૈશ્વિક ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. રોયટર્સના અહેવાલ મુજબ, ઈરાન અને ઓમાન વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી અંગે ચર્ચા ચાલી રહી છે, જેના અમલ બાદ હોર્મુઝમાંથી પસાર થતા કોમર્શિયલ જહાજો પર શિપિંગ ટેક્સ વસૂલવામાં આવી શકે છે.
અહેવાલ અનુસાર, પ્રસ્તાવિત સમજૂતી હેઠળ હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા જહાજો બંને દિશામાં ઈરાનના જળક્ષેત્રમાંથી પસાર થશે. તેના કારણે ઈરાનને જહાજો પાસેથી ટેક્સ વસૂલવાનો અધિકાર મળી શકે છે.
7% સુધી શિપિંગ ટેક્સની ચર્ચા
માહિતી મુજબ, ઈરાન 5થી 7 ટકા સુધીનો શિપિંગ ચાર્જ વસૂલવાની માંગ કરી રહ્યું છે, જ્યારે ઓમાને આશરે 3 ટકા ચાર્જનો પ્રસ્તાવ મૂક્યો હોવાનું કહેવાય છે. હાલ બંને દેશો વચ્ચે કોઈ અંતિમ સમજૂતી થઈ નથી.
દર વર્ષે 100 અબજ ડોલરની આવકનો દાવો
રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જો 7 ટકા શિપિંગ ટોલ લાગુ કરવામાં આવે તો ઈરાનને દરરોજ અંદાજે 385 મિલિયન ડોલર અને વર્ષ દરમિયાન 100 અબજ ડોલરથી વધુની આવક થઈ શકે છે. જોકે આ આંકડો સંભવિત અંદાજ પર આધારિત છે અને તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
વિશ્વના તેલ વેપાર માટે મહત્વપૂર્ણ જળમાર્ગ
હોર્મુઝ જળમાર્ગ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંનો એક છે. વૈશ્વિક કાચા તેલના આશરે પાંચમા ભાગનું પરિવહન આ જળમાર્ગ મારફતે થાય છે. તેથી અહીંના નિયમોમાં કોઈપણ ફેરફાર વૈશ્વિક ઊર્જા બજાર, શિપિંગ ઉદ્યોગ અને વીમા ક્ષેત્ર પર સીધી અસર કરી શકે છે.
અમેરિકા સાથે પણ સંકેતો
ઈરાનના ઉપ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ જણાવ્યું હતું કે અમેરિકા જૂનમાં થયેલા સમજૂતીના મુદ્દાઓ પર પાછું આવવા તૈયાર હોવાનું સંકેત મળ્યું છે. જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર સમજૂતી જાહેર કરવામાં આવી નથી.




