બાંગ્લાદેશની નવી ચાલ!, ભારતીય સરહદ નજીક છાવણી બનાવવી, સુરક્ષા એજન્સીઓ સતર્ક


બાંગ્લાદેશની નવી ચાલ!, ભારતીય સરહદ નજીક છાવણી બનાવવી, સુરક્ષા એજન્સીઓ સતર્ક


Bangladesh New Cantonment : ઢાકા: બાંગ્લાદેશ દ્વારા ભારત અને મ્યાનમારની સરહદ નજીક નવા સૈન્ય કેમ્પ (છાવણી)ના વિકાસની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર વિસ્તાર વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો માનવામાં આવે છે, જેના કારણે ભારતની સુરક્ષા એજન્સીઓ પણ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહી છે.
મળતી માહિતી મુજબ, બાંદરબન જિલ્લાના નાઇખોંગછારી વિસ્તારમાં નવા સૈન્ય કેન્દ્ર માટે જમીનનું નિર્ધારણ અને જરૂરી માળખાકીય કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વિસ્તાર મ્યાનમારની સરહદ નજીક આવેલો છે અને લાંબા સમયથી અહીં રોહિંગ્યા સશસ્ત્ર જૂથોની હાજરી અંગે ચર્ચા થતી રહી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સૈન્ય દ્વારા નવા કેમ્પ માટે જમીનની માર્કિંગ કરવામાં આવી રહી છે. આ વિસ્તાર કોક્સ બજાર નજીક આવેલા રામૂ વિસ્તારથી જોડાયેલો છે, જ્યાં બાંગ્લાદેશ સેનાનું દસમું ઇન્ફન્ટ્રી ડિવિઝન પહેલેથી કાર્યરત છે.
સપ્લાય બેઝની પણ તૈયારીઓ
અહેવાલો મુજબ, સિલ્ખાલી વિસ્તારમાં પણ જમીન સમતલ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે, જ્યાં ભવિષ્યમાં સૈન્ય સપ્લાય બેઝ વિકસાવવામાં આવશે. અગાઉ બાંગ્લાદેશના સેનાપ્રમુખે પણ આ વિસ્તારની મુલાકાત લઈને આયોજનની સમીક્ષા કરી હતી.
આધુનિક હથિયારોની તૈનાતી અંગે ચર્ચા
બાંગ્લાદેશ તુર્કી પાસેથી આધુનિક ડ્રોન અને એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાની તૈયારીમાં હોવાનું પણ સામે આવ્યું છે. આથી ભવિષ્યમાં નવા સૈન્ય કેમ્પમાં આવા આધુનિક હથિયારો તૈનાત થઈ શકે તેવી ચર્ચા ચાલી રહી છે.
ભારત માટે કેમ મહત્વપૂર્ણ?
નાઇખોંગછારી વિસ્તાર ભારતના મિઝોરમ રાજ્યની સરહદ નજીક આવેલો હોવાથી ભારત માટે આ સૈન્ય વિસ્તરણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે સરહદી વિસ્તારમાં વધી રહેલી સૈન્ય પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને ભારતની સુરક્ષા એજન્સીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.




