અમદાવાદમાં પોલીસકર્મી પતિના ત્રાસથી પત્નીનો આપઘાત કર્યો



અમદાવાદમાં પોલીસકર્મી પતિના ત્રાસથી પત્નીનો આપઘાત કર્યો



અમદાવાદ અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં પોલીસકર્મી પતિના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી પત્નીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. 11 વર્ષના લગ્નજીવન બાદ મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
મૃતક ગીતાબા રાજપુરોહિત મૂળ જોધપુરના હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2013માં તેમના લગ્ન પોલીસકર્મી અર્જુનસિંહ પુરોહિત સાથે થયા હતા. દંપતીને 10 વર્ષની દીકરી અને 7 વર્ષનો દીકરો છે.
ફરિયાદ મુજબ, લગ્નના થોડા સમય બાદથી જ પતિ અર્જુનસિંહ દ્વારા નાની-નાની બાબતોમાં ઝઘડા કરી ગીતાબાને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. સતત વધતા ત્રાસથી કંટાળી ગીતાબાએ 15 એપ્રિલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
ઘટનાની જાણ થતાં જ મૃતકના ભાઈએ વાસણા પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તપાસ દરમિયાન પોલીસને ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેને કબજે કરી એફએસએલમાં મોકલવામાં આવી છે. આ ઘટનાથી બે માસૂમ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.




