કપરાડામાં પાણીની કટોકટી, કૂવામાં ઉતરી મહિલાઓ ભરે છે જીવનજરૂરી પાણી



કપરાડામાં પાણીની કટોકટી, કૂવામાં ઉતરી મહિલાઓ ભરે છે જીવનજરૂરી પાણી



અંતરિયાળ કપરાડા તાલુકામાંથી સામે આવેલી તસવીરો આ દાવાઓની વાસ્તવિકતા દર્શાવી રહી છે. ગુજરાતનું “ચેરાપુંજી” ગણાતા મોટી પલસાણ ગામમાં લોકો આજે પાણીના એક-એક ટીપા માટે જીવનું જોખમ ખેડી રહ્યા છે. મહિલાઓ 45 ફૂટ ઊંડા કૂવામાં ઉતરીને પાણી ભરવા મજબૂર બની છે, જ્યારે કરોડોની પાણી પુરવઠા યોજના હોવા છતાં ગામના નળ હજુ પણ સૂકા છે. આખરે કેમ લોકો આજે પણ પાણી માટે મોત સાથે ખેલ કરવા મજબૂર બન્યા છે,
ગુજરાતના ‘ચેરાપુંજી’માં પાણી માટે જંગ
45 ફૂટ ઊંડા કૂવામાં ઉતરી મહિલાઓ ભરે છે પાણી, 586 કરોડની યોજના છતાં નળ સૂકા વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકામાંથી વિકાસના દાવાઓની પોલ ખોલતી ચોંકાવનારી તસવીરો સામે આવી છે. ગુજરાતનું “ચેરાપુંજી” ગણાતા મોટી પલસાણ ગામમાં આજે લોકો પાણીના એક-એક ટીપા માટે જીવનું જોખમ ખેડી રહ્યા છે. ગામના બેરસ્તા ફળિયામાં મહિલાઓ 45 ફૂટ ઊંડા કૂવામાં ઉતરીને પાણી ભરવા મજબૂર બની છે, જ્યારે સરકારની કરોડો રૂપિયાની “નળ સે જળ” યોજના અહીં માત્ર કાગળ પર જ સીમિત રહી હોવાનું સામે આવ્યું છે.
1200 લોકો માટે પાણીનો સંકટ, 8 કૂવા પણ તળિયાઝાટક
મોટી પલસાણ ગામના બેરસ્તા ફળિયામાં અંદાજે 1200 લોકો વસવાટ કરે છે. વિસ્તારમાં 8 જેટલા સરકારી કૂવાઓ હોવા છતાં ઉનાળો શરૂ થતાં જ તમામ કૂવાઓ સુકાઈ ગયા છે. પરિણામે મહિલાઓ અને પુરુષો જીવના જોખમે કૂવામાં ઉતરી રહ્યા છે.
કેટલાક કૂવાઓમાં લોખંડની સીડી અને દોરડાના સહારે નીચે જવું પડે છે, તો કેટલાક કૂવાઓમાં લોખંડના સળિયા પકડીને પથ્થરાળ કોતરો સુધી પહોંચવું પડે છે. કૂવાની અંદર ટીપે-ટીપે ભરાતા પાણી ને વાસણોમાં ભરી ઉપર લાવવામાં આવે છે.
પાણી માટે કલાકો સુધી રાહ, મહિલાઓ બાળકો સાથે તડકામાં બેસે છે
ગામમાં પાણી મેળવવું હવે યુદ્ધ જીતવા જેટલું મુશ્કેલ બની ગયું છે. વહેલી સવારથી જ મહિલાઓ કૂવા પાસે લાઈનમાં ઊભી રહે છે. સ્થિતિ એટલી ખરાબ છે કે એક પરિવારને માત્ર એકથી બે બેડાં પાણી મેળવવા માટે 1 થી 2 કલાક સુધી રાહ જોવી પડે છે.
મહિલાઓ પોતાના નાના બાળકો સાથે આખો દિવસ કાળઝાળ ગરમીમાં કૂવા કાંઠે બેસી રહેવા મજબૂર બની છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે ઉનાળો શરૂ થતાં જ પાણીની આ સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે.
મહિલાઓ કૂવામાં ખાબકી, છતાં તંત્ર ઊંઘમાં
પાણી ભરતી વખતે અનેક વખત મહિલાઓના પગ લપસતા તેઓ કૂવામાં ખાબકી ચૂકી છે અને ગંભીર ઇજાઓનો ભોગ બની છે. છતાં વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.
586 કરોડની યોજના છતાં નળમાં એક ટીપું નહીં
કપરાડા અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે સરકારે અંદાજે 586 કરોડ રૂપિયાની “એસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના” અમલમાં મૂકી હતી. ગામમાં ઘરે-ઘરે નળ અને પાઈપલાઈન નાખવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી નળમાં પાણી આવ્યું નથી.
સ્થાનિકોના આક્ષેપ મુજબ, પાણી શરૂ થાય તે પહેલાં જ અનેક પાઈપલાઈનો સડી અને તૂટી ગઈ છે. કરોડો રૂપિયાનો ખર્ચ છતાં લોકોને પાણી માટે કૂવામાં ઉતરવું પડે છે.
ગ્રામજનોમાં રોષ, આંદોલનની ચીમકી
ચોમાસામાં કરોડો ગેલન પાણી વરસતા વિસ્તારમાં ઉનાળામાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. પાણીની સમસ્યાથી કંટાળેલા ગ્રામજનોએ હવે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અને સરકાર પાસે તાત્કાલિક શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.




