કોંગ્રેસ પર વિશ્વકર્માનો તીખો પ્રહાર: ‘ગુજરાતીઓનું અપમાન સહન નહીં’



કોંગ્રેસ પર વિશ્વકર્માનો તીખો પ્રહાર: ‘ગુજરાતીઓનું અપમાન સહન નહીં’



ખેડા ખેડા જિલ્લાના માતર તાલુકાના શેખુપુર ગામે ભાજપ દ્વારા વિજય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા. તેમની સાથે સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય કલ્પેશ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સભામાં જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલ, પ્રભારી રમેશ દેસાઈ અને કિસાન મોરચાના મહામંત્રી હેમલ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર કડક પ્રહાર કર્યા હતા.
તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન પર કરાયેલી ટિપ્પણીને લઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિશ્વકર્માએ જણાવ્યું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સતત ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે, જે કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી.
તેમણે વધુમાં કહ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 19થી વધુ દેશોમાં સન્માન થાય છે, ત્યારે તેમનું અપમાન કરવાની કોંગ્રેસ પાસે કોઈ ઔકાત નથી. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસની નૌકા હવે માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશભરના રાજ્યો અને બૂથ સ્તરે ડૂબી રહી છે.
વિશ્વકર્માએ જણાવ્યું કે કોંગ્રેસની ડૂબતી નૌકા છોડીને લોકો વિકાસના માર્ગે આગળ વધતા ભાજપ સાથે જોડાઈ રહ્યા છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જે કોંગ્રેસ પોતાનું ગઢ અને પોતાના ઉમેદવારોને જ સાચવી શકતી નથી, તે ખેડા, ગુજરાત કે દેશનું શું ભલું કરશે?
સભાના અંતે ભાજપના નેતાઓએ કાર્યકરોને વધુ સક્રિય બનીને પક્ષને મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો.




