મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વિરમગામમાં અનેક વિસ્તારો જળબંબાકાર



મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વિરમગામમાં અનેક વિસ્તારો જળબંબાકાર



વિરમગામ શહેર અને તાલુકામાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદથી ફરી એકવાર અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વિરમગામ તાલુકામાં અંદાજે 4 ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે માંડલ રોડ, અક્ષરનગર સોસાયટી, સર્વોદય સોસાયટી, શાકભાજી માર્કેટ અને પોસ્ટ ઓફિસ વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વિરમગામમાં અગાઉ પડેલા ભારે વરસાદનું પાણી હજુ સંપૂર્ણપણે ઓસર્યું નહોતું, ત્યાં જ ફરી ધોધમાર વરસાદ પડતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખાસ કરીને અક્ષરનગર અને સર્વોદય સોસાયટીના રહિશોમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને નારાજગી જોવા મળી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, બંને સોસાયટીમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. દર ચોમાસામાં વરસાદ પડતાં જ પાણી ભરાઈ જવાથી સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.
દરમિયાન, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે વિરમગામ સહિતના વિસ્તારોમાં તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.





