વલસાડમાં માતાએ કરી ત્રણ બાળકોની હત્યા, પોતે પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ



વલસાડમાં માતાએ કરી ત્રણ બાળકોની હત્યા, પોતે પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ



Valsad Crime News: વલસાડના પાલી કરમબેલી ગામમાં ચોંકાવનારી ઘટના બની છે. જ્યારે ઘરમાંથી ત્રણ માસૂમ બાળકો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. જ્યારે માતા શંકાસ્પદ પ્રવાહી પીધેલી હાલતમાં ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનામાં માતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો અને ઘર કંકાસમાં ત્રણ માસૂમ બાળકોનો ભોગ લેવાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ગામના એક હળપતિ પરિવારમાં હૃદય કંપાવતી એક ચકચારિત ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં આ હળપતિ પરિવારમાં માતા નિશાબેન હળપતિ શંકાસ્પદ પ્રવાહી પીધેલી અવસ્થામાં ગંભીર હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે રૂમમાં ત્રણ માસૂમ બાળકો પણ શંકાસ્પદ મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આથી આ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આસપાસના લોકો તાત્કાલિક પરિવારના ઘર પર પહોંચ્યા હતા અને ગંભીર હાલતમાં માતા નિશા હળપતિને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં જ સરીગામ પોલીસની ટીમ સ્થળ પણ પહોંચી હતી અને આ મામલે પોલીસે મૃતક બાળકોના મૃતદેહનો કબજો લઈ પીએમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, એક જ પરિવારમાં માતા ગંભીર હાલતમાં મળી આવવાના અને બાળકોના શંકાસ્પદ મોત મામલે ઘરકંકાસમાં આ માસૂમ બાળકોનો ભોગ લેવાયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
નાનકડા ગામમાં બનેલી આ ઘટનાને લઈને ગમગીની વ્યાપી ગઈ હતી. પતિ સંજય હળપતિ દ્વારા બાળકોની માતા પર બાળકોની હત્યા નિપજાવી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. અનૈતિક સંબંધોની આશંકાએ આખો પરિવાર વિખેરાઈ ગયો હોવાની વાત બહાર આવી રહી છે. આ સમગ્ર ઘટના મામલે પતિ સુનિલ હળપતિએ પત્ની પર ગંભીર આક્ષેપો કર્યા છે. પતિના મતે પત્નીના છેલ્લા કેટલાક સમયથી અન્ય યુવક સાથે અનૈતિક આડા સંબંધો હતા. જેની જાણ પતિને થઈ હતી, આથી અવારનવાર બંને વચ્ચે ઝઘડા થતા હતા. જો કે, ગઈ કાલે રાત્રે પત્નીને ફોન પર અન્ય કોઈ વ્યક્તિ સાથે વાત ચાલી રહી હતી. જે પતિ જોઈ જતા ઉગ્ર બબાલ થઇ હતી અને પતિના મતે તે સૂઈ ગયા બાદ માતાએ બાળકોની હત્યા કરી અને પોતે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં જ સરીગામ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જો કે, પરિવારના સભ્યો અને પડોશીઓના મતે છેલ્લા કેટલાક સમયથી આ પરિવારમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. અવારનવાર પરિવારમાં કંકાસ ચાલતો હતો. એ દરમિયાન ગઈ રાત્રે કોઈ વાતને લઈ પતિ પત્ની વચ્ચે અને પરિવારમાં ઉગ્ર ઝઘડો થયો હતો. ત્યારબાદ સવારે માતા ગંભીર હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે નવ માસના બે જુડવા માસૂમ બાળકો અયાંશ અને રિયાંશ અને બે વર્ષની માસૂમ બાળકી નાયરા રૂમમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. આ મામલે સરીગામ પોલીસે પતિનું નિવેદન લઈ બાળકોના મોતનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
આ ઘટનામાં પત્નીના આડાસંબધોની શંકાના કારણે એક જ પરિવારમાં ત્રણ માસૂમ બાળકોના મોત થયા છે. આમ ઘરકંકાસને કારણે ત્રણ માસૂમ બાળકોનો ભોગ લેવાયો છે અને માતા અત્યારે હોસ્પિટલના બિછાને છે.




