કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં ગ્રામજનોને મુશ્કેલી, 10 વર્ષથી વધુ સમયથી રોડ જ બન્યો નથી!



કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં ગ્રામજનોને મુશ્કેલી, 10 વર્ષથી વધુ સમયથી રોડ જ બન્યો નથી!



Valsad News: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વિકાસના દાવાઓ વચ્ચે રસ્તાની વાસ્તવિકતા આજે પણ પ્રશ્નાર્થ બની છે. આસલોણા ફાટકથી પીપલસેત ભરાડીને જોડતો મુખ્ય માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાથી હજારો ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આસલોણા ફાટકથી પીપલસેત સુધીનો અંદાજે 3 કિલોમીટરનો રસ્તો છેલ્લા 13થી 14 વર્ષથી બન્યો જ નથી. વરસાદી સિઝનમાં રસ્તો કાદવ અને ખાડાઓથી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને જીવના જોખમે મુસાફરી કરવી પડે છે.
માત્ર એટલું જ નહીં, આસલોણાથી મધુલના ફાટક સુધીનો લગભગ 1 કિલોમીટરનો રસ્તો પણ છેલ્લા પાંચ વર્ષથી દયનીય હાલતમાં છે. અનેક વખત રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ માર્ગ ભરાડી, કાલુનિયા, ગરડુના, મધુલના, પીપલસેત અને સતીમાલબ ફળિયા સહિતના વિસ્તારોના 5 હજારથી વધુ લોકો માટે જીવનરેખા સમાન છે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, દર્દીઓ, ખેડૂતો અને રોજિંદા અવરજવર કરતા લોકો માટે આ માર્ગ અત્યંત મહત્વનો ગણાય છે.
એક તરફ વિકાસના દાવા અને બીજી તરફ 14 વર્ષથી રસ્તા માટે રાહ જોતા હજારો લોકો! ગ્રામજનોની માગ છે કે, તાત્કાલિક ધોરણે રસ્તાનું નિર્માણ કરીને વર્ષોથી ચાલતી મુશ્કેલીનો અંત લાવવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે, તંત્ર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે.




