Get News Alerts

Never miss breaking news updates.

શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા સંચાલિત મહિલા ઉદ્યોગ પર ગંભીર આક્ષેપ, આર્થિક શોષણ સહિત છેતરપિંડીનો આરોપ

Valsad News: વલસાડ જિલ્લાના ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા સંચાલિત 'રાજ ઉપહાર' મહિલા ઉદ્યોગમાં કામ કરતી 350થી વધુ ગરીબ આદિવાસી મહિલાઓનું ગંભીર શોષણ થતું હોવાની ફરિયાદ ઉઠી છે.
Admin
AdminUpdated on: 04 Jun 2026 09:05 PM IST
શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા સંચાલિત મહિલા ઉદ્યોગ પર ગંભીર આક્ષેપ, આર્થિક શોષણ સહિત છેતરપિંડીનો આરોપશ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા સંચાલિત મહિલા ઉદ્યોગ પર ગંભીર આક્ષેપ, આર્થિક શોષણ સહિત છેતરપિંડીનો આરોપ

Valsad News: વલસાડ જિલ્લાના ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા સંચાલિત 'રાજ ઉપહાર' મહિલા ઉદ્યોગમાં કામ કરતી 350થી વધુ ગરીબ આદિવાસી મહિલાઓનું ગંભીર શોષણ થતું હોવાની ફરિયાદ ઉઠી છે.

આ સમગ્ર બાબતે વલસાડ ફેક્ટરી ઇન્સ્પેક્ટરને કરવામાં આવેલી લેખિત ફરિયાદમાં કંપનીના મેનેજમેન્ટ પર આર્થિક છેતરપિંડીથી લઈને મહિલાઓના જીવ જોખમમાં મૂકવા સુધીના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

ધરમપુરના આસુરા ગામ પાસે આવેલા 'રાજ ઉપહાર'માં આદિવાસી મહિલાઓ નાસ્તા અને ફરસાણ બનાવવાનું કામ કરે છે. વલસાડ ફેક્ટરી ઇન્સ્પેક્ટરને કરાયેલી 11 મુદ્દાની લેખિત ફરિયાદ મુજબ, અહીં કામ કરતી 350 જેટલી મહિલાઓને 180થી 200 ડિગ્રી જેટલા ઊંચા તાપમાનમાં બોઈલર અને ઓવન પાસે કામ કરવું પડે છે. 

આશ્ચર્યની વાત એ છે કે, આટલા ઊંચા તાપમાનમાં કામ કરવા છતાં તેમને લેધરના બૂટ કે એપ્રન જેવી કોઈ પણ પ્રકારની સેફ્ટી કીટ આપવામાં આવતી નથી. પ્લાસ્ટિકના ચંપલ પહેરીને જીવના જોખમે કામ કરતી ઘણી મહિલાઓ દાઝી ગઈ હોવાના બનાવો પણ બન્યા છે. તેમ છતાં મેનેજમેન્ટ દ્વારા સુરક્ષાના કોઈ પગલાં લેવાયા નથી.

આ ગરીબ આદિવાસી મહિલાઓનું માત્ર શારીરિક જ નહીં, પરંતુ મોટાપાયે આર્થિક શોષણ પણ થઈ રહ્યું હોવાનો આક્ષેપ છે. 15-17 વર્ષથી કામ કરતી મહિલાઓને કોઈ ઇન્ક્રીમેન્ટ આપવામાં આવ્યું નથી. નવા કામદારોને રોજિંદા 240થી 300 રૂપિયા જેવું નજીવું વેતન અપાય છે, જે સરકારી લઘુત્તમ વેતન કાયદાનું સીધું ઉલ્લંઘન છે.

સૌથી મોટો આરોપ એ છે કે, મહિલાઓના પગારમાંથી દર મહિને PF, મેડિકલ અને પ્રોફેશનલ ટેક્સ કાપવામાં આવે છે, પરંતુ તે જમા થતો નથી. કામદારોનો દાવો છે કે, છેલ્લા 10-12 વર્ષના PFના પૈસાનો કોઈ હિસાબ જ નથી. આ ઉપરાંત નોકરી પર રાખતી વખતે મફત જમવાનું આપવાના વાયદા કરી બાદમાં પગારમાંથી હજારો રૂપિયા જમવાના નામે કાપી લેવામાં આવ્યા છે.

આ ફરિયાદનો સૌથી હચમચાવી મૂકે તેવો અને દર્દનાક ખુલાસો એ છે કે, ભયંકર ગરમીમાં કામ કરવાને કારણે ઘણી મહિલાઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થયા છે. અસહ્ય તાપમાનમાં ફરજિયાત કામ કરવાના કારણે અનેક બહેનોને ગંભીર શારીરિક સમસ્યાઓ થઈ છે જેના કારણે તેમણે નોકરી છોડવાનો વારો આવ્યો. આ સર્જરીનો લાખો રૂપિયાનો ખર્ચ મહિલાઓએ જાતે ભોગવ્યો છે, કંપનીએ કોઈ વળતર આપ્યું નથી. જ્યારે આ અંગે મહિલાઓ અવાજ ઉઠાવે છે, ત્યારે તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે.

આ ઉપરાંત આસુરા ગ્રામપંચાયતની પરવાનગી વગર આ બિલ્ડિંગ ચાલતું હોવાનો અને પંચાયતમાં ટેક્સ જમા ન થતો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. એક તરફ 'સર્વ મંગલ સેન્ટર ઓફ એક્સિલેન્સ'ના નામે પ્રોજેક્ટ ચાલે છે, તો બીજી તરફ તેમાં જ કામ કરતી આદિવાસી મહિલાઓ શોષણનો ભોગ બની રહી છે. ત્યારે હવે જોવું એ રહે છે કે, વલસાડના ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને જિલ્લા વહીવટી તંત્ર આ ગંભીર ફરિયાદની તટસ્થ તપાસ કરી આ ગરીબ મહિલાઓને ક્યારે ન્યાય અપાવે છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.