સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલએ પરિવાર સાથે કરાવી સ્વ-ગણના, જનગણના 2027માં સક્રિય ભાગ લેવા નાગરિકોને અપીલ



સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલએ પરિવાર સાથે કરાવી સ્વ-ગણના, જનગણના 2027માં સક્રિય ભાગ લેવા નાગરિકોને અપીલ



સુરત : સુરત ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના નિવાસસ્થાને આજે વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વ-ગણના પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે સુરત મહાનગર પાલિકાના કમિશનર એમ. નાગરાજન અને ડેપ્યુટી કમિશનર નિધિ સિવાય સહિત વસ્તી ગણતરીની ટીમ તેમના નિવાસસ્થાને પહોંચી હતી.
વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ સરકાર દ્વારા નીતિનિર્માણ, વિકાસ યોજનાઓ, સંસાધનોના યોગ્ય વિતરણ, આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે સાચા જનગણના આંકડા વિકાસનો લાભ યોગ્ય લોકો અને વિસ્તારો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરે છે.
તેમણે દેશના તમામ નાગરિકોને અપીલ કરતાં કહ્યું કે 17 મે 2026થી 31 મે 2026 દરમિયાન યોજાનારી સ્વ-ગણના પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લઈને પોતાના ઘરે બેઠા ઓનલાઇન સાચી અને સંપૂર્ણ માહિતી નોંધાવે. સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે નાગરિકો દ્વારા આપવામાં આવતી માહિતી કાયદા મુજબ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય તથા વિકાસલક્ષી હેતુઓ માટે જ કરવામાં આવે છે. તેમણે નોકરીયાત વર્ગને અનુકૂળ સમયે પોતાની માહિતી ઓનલાઇન નોંધાવવા અનુરોધ કર્યો હતો તેમજ વસ્તી ગણતરી માટે ઘરે આવનારા અધિકારીઓ અને કર્મચારીઓને સંપૂર્ણ સહયોગ આપવા પણ અપીલ કરી હતી.




