ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે ટ્રમ્પના યુદ્ધ વિરામ સંકેત



ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે ટ્રમ્પના યુદ્ધ વિરામ સંકેત



વોશિંગ્ટનથી મળતી માહિતી મુજબ, પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ઈરાન સામે ચાલી રહેલા સૈન્ય અભિયાનને ટૂંક સમયમાં સમેટવાના સંકેત આપ્યા છે. અમેરિકી મીડિયા અહેવાલો અનુસાર, વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝની સામુદ્રધુની સંપૂર્ણપણે ખુલ્લી ન હોવા છતાં, આગામી 4થી 6 સપ્તાહમાં યુદ્ધ વિરામ જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ટ્રમ્પ વહીવટીતંત્રનું માનવું છે કે ઈરાનની નૌકાદળ અને મિસાઈલ ક્ષમતાઓને નબળી પાડવાના મુખ્ય ઉદ્દેશ્યો પૂરાં થઈ ચૂક્યા છે. આ સાથે અમેરિકા હવે લશ્કરી કાર્યવાહી કરતાં રાજદ્વારી દબાણ પર વધુ ભાર મૂકી રહ્યું છે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો છે કે હોર્મુઝ મારફતે 20 તેલ ટેન્કરોને પસાર થવાની મંજૂરી અપાવવામાં આવી છે, જેને તેઓ રાજદ્વારી સફળતા તરીકે રજૂ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે હોર્મુઝની સામુદ્રધુની વૈશ્વિક તેલ પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે, જ્યાંથી પસાર થતું આશરે 84 ટકા તેલ એશિયન દેશોમાં પહોંચે છે. આ માર્ગ બંધ થતાં ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલથી વધુ થઈ ગયા છે, જેના કારણે વૈશ્વિક બજારોમાં ચિંતા વધી છે. ખાસ કરીને ભારત જેવા દેશો માટે આ પરિસ્થિતિ પડકારજનક બની છે.
બીજી તરફ ઈરાનએ પોતાની સાવરેણતા જાળવવા હોર્મુઝ વિસ્તારમાં નવા કાયદા લાગુ કર્યા છે અને અમેરિકી તેમજ ઈઝરાયેલી જહાજોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. આમ, એક તરફ ટ્રમ્પ યુદ્ધ વિરામ અને સૈનિકોને પરત બોલાવવાના સંકેત આપી રહ્યા છે, જ્યારે બીજી તરફ પ્રદેશમાં તણાવ યથાવત છે. આવનારા સમયમાં આ ઘટનાક્રમ વૈશ્વિક રાજકારણ અને આર્થિક સ્થિતિ પર શું અસર કરશે તે જોવાનું રહ્યું.




