રામનગર કેનાલમાં કરુણ ઘટના! બે યુવાનોના ડૂબી જતાં મોત



રામનગર કેનાલમાં કરુણ ઘટના! બે યુવાનોના ડૂબી જતાં મોત



મહુધા: તાલુકાના અલીણા તાબે રામનગર સીમ વિસ્તારમાં આવેલી કેનાલમાં ન્હાવા ગયેલા બે યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લહેર પ્રસરી ગઈ છે અને લગ્ન પ્રસંગની ખુશી પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, ઉમરેઠના સુંદરપુરા ગામના શનિભાઈ રમેશભાઈ વસાવા (ઉંમર 26) અને તેમના ભત્રીજા સાવનભાઈ હિતેશભાઈ વસાવા (ઉંમર 18) રામનગર ગામે શનિભાઈની સાળીના લગ્ન પ્રસંગે આવ્યા હતા.
લગ્ન પ્રસંગ દરમિયાન બંને યુવાનો રાસ્કા વિયર કેનાલમાં ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન એક યુવાન અચાનક પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. તેને બચાવવા જતા અન્ય યુવાન પણ ડૂબી ગયો હતો અને બંનેના દુર્ભાગ્યપૂર્ણ મોત થયા હતા.
ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પરિવારજનોમાં હાહાકાર મચી ગયો હતો. મહુધા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.




