દાત્રાણા ગામે કરુણ ઘટના: તળાવમાં ડૂબી જતા બે માસૂમોના મોત, એક બાળકીની હાલત ગંભીર



દાત્રાણા ગામે કરુણ ઘટના: તળાવમાં ડૂબી જતા બે માસૂમોના મોત, એક બાળકીની હાલત ગંભીર



ખંભાળિયા ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે આજે એક કરુણ અને હૈયાફાટ ઘટના સામે આવી છે, જેમાં ખેત મજૂર પરિવારના ત્રણ માસૂમ બાળકો તળાવમાં ડૂબી જતાં સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. રમતાં રમતાં તળાવમાં ખાબકી ગયેલા આ બાળકોમાંથી બેના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે એક બાળકીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ દાત્રાણા ગામના ખારાવાળી વિસ્તારમાં આવેલ તળાવ પાસે આ દુર્ઘટના બની હતી. પરિવારના માતા-પિતા રોજિંદા મુજબ ખેત મજૂરીના કામે ગયા હતા ત્યારે ત્રણેય બાળકો નજીકમાં રમતાં હતાં. અચાનક તેઓ રમતાં રમતાં તળાવ તરફ પહોંચી ગયા અને પાણીમાં ખાબકી ગયા હોવાનું અનુમાન છે.
આ દુર્ઘટનામાં 7 વર્ષીય બાળકી અને 4 વર્ષીય બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. બંને બાળકોને બહાર કાઢવામાં આવ્યા ત્યારે સુધી તેઓ નિર્જીવ થઈ ચૂક્યા હતા. જ્યારે દોઢ વર્ષની નાની બાળકી ગંભીર હાલતમાં મળી આવી હતી. તાત્કાલિક તેને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી, પરંતુ તેની નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે જામનગર રિફર કરવામાં આવી છે.
ઘટનાની જાણ થતા જ ગામમાં હાહાકાર મચી ગયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. એક સાથે બે માસૂમ બાળકોના મોતથી સમગ્ર શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. માતા-પિતાનો આક્રંદ અને ગ્રામજનોની ભીની આંખોએ સમગ્ર વાતાવરણને ભારોભાર દુઃખદ બનાવી દીધું હતું.
સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી છે. તળાવ આસપાસ સુરક્ષા વ્યવસ્થા અને બાળકોની સલામતી અંગેના પ્રશ્નો પણ હવે ચર્ચામાં આવ્યા છે. આ કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને દુઃખની લાગણી છવાઈ દીધી છે.




